સાથે જન્મી સાથે વિદાય, પરિવાર ગમગીન બની ગયો

કોડીનાર, તા.૧ર
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક જોડકી બહેનો સમ્પમાં પડી જવાથી મૃત્યુ પામી હતી. આ ઘટના કારડિયા રાજપૂત સમાજમાં શોક છવાયો છે. આ બનાવની વિગત એવી છે કે, કોડીનાર તાલુકાના ડોળાસા ગામના લાખાભાઈ કાનાભાઈ મોરીના નાના પુત્ર વિપુલભાઈ અને તેમના પત્ની કીરણબેન ત્રણ દીકરીઓ સાથે ગોહિલની ખાણ ગામની દક્ષિણમૂર્તિ સોસાયટીમાં રહે છે તે પૈકીની બે દીકરીઓ નિષ્ઠા અને નિહારીકા જોડકી બહેનો છે. જેમનો જન્મ ૧૦ ડિસેમ્બર, ર૦૧પના રોજ થયો હતો. હાલ શાળાઓ બંધ હોવાથી આ પરિવારે છેલ્લા કેટલાક સમયથી ડોળાસા હતો. તા.૧૧/૧૧/ર૦ર૦ના રોજ બંને જોડકી બહેનોની તબિયત નરમ હોવાથી કિરણબેન બંને બાળકીઓને લઈ ગઈ કાલે બપોરે બાળકોના ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબ હાજર ન હતા અને ચાર વાગ્યે આવવાના હોવાથી કિરણબેન બંને દીકરીઓને લઈ કોડીનાર નજીક આવેલી દક્ષિણામૂર્તિ સોસાયટીમાં આવેલ ઘરે પહોંચ્યા હતા. જ્યાં એક રૂમમાં બાળકીઓ રમતી હતી તો કિરણબેન ઘણા દિવસથી બંધ ઘરની સફાઈમાં લાગી ગયા, જે સફાઈ દરમિયાન જમીનના ટાંકામાંથી પાણી કાઢી રહ્યા હતા. આ દરમિયાન બંને બાળકીઓ રમતી-રમતી સમ્પ પાસે આવી ત્યારે સમ્પનું ઢાંકણું ખૂલ્લું હતું. બંને બહેનો ક્ષણીકવારના અંતરથી સમ્પમાં પડી ગઈ હતી. ખબર પડતા કિરણબેને બૂમાબૂમ કરી મૂકી આડોશી-પાડોશીઓ એકઠા થયા હતા અને બાળકીઓને સમ્પમાંથી કાઢી કોડીનારની રા.ના. વાળા હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે બંને બાળકીઓને મૃત જાહેર કરી હતી. આમ એક જ સાથે જન્મેલી આ જોડકી બહેનો એક સાથે વિદાય પણ સાથે જ લેતા પરિવાર ગમગીન બની ગયો હતો. ડોળાસા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.