(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૪
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ડીએપી ખાતરનું વેચાણ તત્કાળ અસરથી બંધ કરાયું છે. બનાસકાંઠાના ૨૦ ડેપોમા જિલ્લાના ખેતીવાડી વિભાગની જુદી-જુદી ૫ ટીમો દ્વારા ૩ દિવસ તપાસ કરાયા બાદ ૬૫૦૦ ખાતરની બેગનું વેચાણ અટકાવાયું હતું. મોટાભાગના ડેપો પર રેન્ડમલી ચેકીંગ દરમ્યાન ૨૦૦થી ૪૦૦ ગ્રામ જીએસએફસીના ખાતરના વઝનમાં ઘટ જણાઈ હતી.
સરકાર માન્ય યુરિયા વેચાણ માટેની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની (જીએસએફસી)ના ડીએપી રાસાયણિક ખાતરના વજનમાં ઘટની ફરિયાદ બાદ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગે જિલ્લામાં આવેલા જુદા-જુદા ૨૦ ડેપો પર આકસ્મિક તપાસ હાથ ધરી ૧૫૬ બેગોનું વજન કર્યું હતું. ખેતીવાડી વિભાગના અધિકારી ભરતભાઈ પટેલે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ચોકડી પાંચ ટીમોએ ૨૦ ડેપોમાં તપાસ હાથ ધરી હતી જેમાં થરાદમાં ૧૬૦ પાલનપુરમાં ૧૬ ૨૦ થરાદ મંડળી ૨૫૮ ગઢ ૩૧૫ ઈકબાલ ગઢ ૭૮૦ ડીસા ૫૨ ડીસા આખોલ ચાર રસ્તા ૪૧૩ દિયોદર ૭૧૮ ભાભર ૫૫૦ વડગામ ૫૪૭ સહિત નાના-મોટા ડેપોમાં ૬૫૦૦ બેગોનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યું છે. ખેડૂતોને ડીએપીની સરખામણીએ અન્ય ખાતર માર્કેટમાંથી સરળતાથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ જિલ્લામાં વર્ષોથી જીએસએફસીના કેન્દ્રો કાર્યરત હોવાથી ખેડૂતો ખાતરની ખરીદી માટે ત્યાં જતા હોય છે.