અમદાવાદ, તા.૧૩
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને હાલના બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની જીતને પડકારતી પિટિશનમાં આજે પરબતભાઇ પટેલ સહિત તમામ ઉમેદવારોને તથા બનાસકાંઠાના ચૂંટણી અધિકારીને ૧૧ ઓકટોબર સુધીમાં જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરબતભાઈ પટેલની જીતને પડકારતી પિટિશન હાઇકોર્ટમાં નિરૂપમા બેન નટવરલાલ માધુએ કરી છે. પિટિશનમાં નિરૂપમા બેને દાવો કર્યો છે કે, ૨૦૧૯માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા સીટ પર પરબતભાઈ પટેલની જગ્યાએ તેમને વિજય જાહેર કરવામાં આવે. પિટિશનમાં તેમણે દાવો કર્યો છે કે, પરબતભાઈ પટેલ તથા અન્ય તમામ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ઉમેદવારીપત્રો ખામીવાળા છે. જેમાં પરબતભાઈ પટેલ ના ઉમેદવારી પત્રમાં તેમણે વધારાનું સોગંદનામું નથી કર્યું. તેમના જણાવ્યા પ્રમાણે સરકારી રહેઠાણ નો કબજો ધરાવનાર ઉમેદવાર તરીકે વીજળી, પાણી, બિલ જે એજન્સીઓને ચૂકવવાના હોય તે એજન્સીઓ પાસેથી ના લેણાં સર્ટીફીકેટ (No Demand Certificate) લાવીને વધારાનું સોગંદનામું નોટરી પબ્લિક કે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કે ઓથ કમિશનર પાસે કરાવીને વધારાના સોગંદનામાં સાથે તેમના ઉમેદવારીપત્રની સાથેના લેણાં સર્ટીફીકેટ (No Demand Certificate) રજૂ કરવા જરૂરી છે. જે ઉમેદવારને આ લાગુ ન પડતું હોય તેમણે વધારાનું સોગંદનામું કરવું જરૂરી છે, જેમાં તેમણે એવું જણાવવાનું હોય છે કે અમો સરકારી આવાસ ધરાવતા નથી અને આવું વધારાનું સોગંદનામું ફરજિયાત કરીને તેમના ઉમેદવારીપત્ર ની સાથે રજૂ કરવું જરૂરી છે. આ ચૂંટણીમાં કુલ ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી નિરૂપમા બેન સિવાયના અન્ય ૩૨ ઉમેદવારોએ વધારાનું સોગંદનામુ કરેલ નથી. આથી નિરૂપમા બેન સિવાયના તમામે તમામ ૩૨ ઉમેદવારોના ઉમેદવારી પત્રો ખામીયુક્ત છે. બીજું કોઈ હરીફ ઉમેદવાર ના હોવાથી નિરૂપમા બેનને બિનહરીફ વિજેતા જાહેર કરવા પણ જે તે ચૂંટણી અધિકારીએ તેમની વાંધા અરજી નામંજૂર કરેલી આથી આ અંગે દાદ માંગતી પિટિશન તેઓએ હાઇકોર્ટમાં કરી છે. આ પિટિશનની વધુ સુનવણી ૧૧ ઓકટોબરે હાથ ધરાશે.
બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ તથા ઉમેદવારોને હાઈકોર્ટે પાઠવી નોટિસ

Recent Comments