(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા. ૨૧
રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી આજે ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઇ હતી. શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન સંપન્ન થયું હતું. ગ્રામ્ય વિસ્તારના મતદારોએ જો કે, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી જેટલો ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ એકંદરે સરેરાશ મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતનું સાંજે ચાર વાગ્યા સુધી સરેરાશ પ૭થી ૬૦ ટકા જેટલું મતદાન ૫૬.૮૭ ટકા અને ખેડા જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન ૪૬.૧૨ ટકા જેટલું નોંધાયું હતું. આમ, આ બંને જિલ્લા પંચાયતનું સરેરાશ મતદાન ૫૨.૭૧ ટકા નોંધાયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીનુ અંતિમ મતદાન ૫૭ ટકાથી વધુ નોંધાયાનો અંદાજ છે. આ જ પ્રકારે ખેડા, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતનું મતદાન અનુક્રમે ૬૨.૭૫ ટકા, ૬૨.૯૯ ટકા અને ૫૭.૩૫ ટકા નોંધાયું હતું. આ ત્રણેય જિલ્લાની તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન જોઇએ તો, ૫૮.૨૭ ટકા નોંધાયું હતું. જે સાંજે પાંચ વાગ્યા સુધીના અંતિમ મતદાનમાં ૬૨ ટકાની આસપાસ નોંધાયાનો અંદાજ છે. આ ચૂંટણીઓનું પરિણામ હવે તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર થશે. ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિ.પંચાયતની ર૭-ખંઢોર-ઉબરી બેઠક તથા દાતા તા.પંચાયતની ૭-હડાદ બેઠકના સાત મતદાન મથકોની વહીવટી ભૂલના કારણોસર આવતીકાલે પુનઃ મતદાન કરવાનું પંચે ઠરાવ્યું છે.
આ અંગે રાજયના મુખ્ય ચૂંટણી સચિવ મહેશ જોષી, મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, આજે રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત તથા કુલ ૧૭ તાલુકા પંચાયતો માટેની યોજાયેલી ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નોંધાઇ ન હતી. જે ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી તેમાં બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા તાલુકા પંચાયત ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પંચાયત હેઠળની ૧૪ તાલુકા પંચાયતો વડગામ, સૂઇ, ભાભર, વાવ, લાખાણી, દાંતીવાડા, પાલનપુર, કાંકરેજ, થરાદ, દાંતા, અમીરગઢ, ડીસા, દિયોદર અને ધાનેરા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત માટે ભાજપ અને કોંગ્રેસના ૬૫-૬૫ ઉમેદવારો વચ્ચે જંગ રહ્યો હતો તો, ખેડા જિલ્લા પંચાયત માટે આ બંને પક્ષના ૪૪-૪૪ ઉમેદવારો વચ્ચે હોડ જામી હતી. બનાસકાંઠા, ગાંધીનગર અને ખેડા જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ ૩૪૩ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આ તાલુકા પંચાયતોની સાત બેઠકો અગાઉ બિનહરીફ થઇ છે. આ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની માટે ૬૫ બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી.