પાલનપુર, તા.૧૬
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમિત વધુ ૪ કેસ પોઝીટીવ આવતા કુલ-૬ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે તેમ બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લામાંથી કુલ-૨૦૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧૮૫ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૧૧ ના રિપોર્ટ આવવાના પેન્ડીંગ છે. કલેકટરે જણાવ્યું કે સૌપ્રથમ વાવના મીઠાવીચારણ ગામે ૫ વર્ષના બાળક અને પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓ અને હાઇરીસ્કના વ્યક્તિઓની સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવતા વધુ ૪ વ્યક્તિઓના કેસ પોઝીટીવ આવ્યા છે. ગઠામણ ગામમાં પોઝીટીવ આવેલા વ્યક્તિના પરિવારમાંથી તેમના ૩ બાળકોને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. વાવ તાલુકાના મીઠાવીચારણ ગામનું બાળક સુરતથી સ્કોરપીયો ગાડીમાં આવ્યું હતું તે બાળકના સંપર્કમાં આવેલા ગાડીના ડ્રાયવરનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
મીઠાવીચારણ અને ગઠામણ ગામને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ૩ થી ૮ કિ.મી. ની અંદર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. એડીશનલ ૫ કિ.મી. ને બફર ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જીવનજરૂરીયાતની વસ્તુઓ લોકોને હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.