પાલનપુર, તા.૭
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કહેર જારી રહ્યો છે. જ્યાં વાવના કોંગી ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે જિલ્લામાં વધુ ૯ કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુરમાં ૭ કેસ, ડીસામાં ૧ અને વડગામમાં ૧ કેસ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૨૫ પહોંચી ગઈ છે, મૃત્યુઆંક ૧૪ થવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાના વધુ નવ કેસ નોંધાયા હતા જેમાં વાવના મહિલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્યને બે દિવસથી તાવ આવતો હતો. જેમણે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં તપાસ કરાવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જો કે, આ અંગે પૃચ્છા કરતાં ધારાસભ્યનો સંપર્ક થઈ શક્યો ન હતો. બીજી તરફ પાલનપુરમાં ૭ કેસ, ડીસામાં ૧ અને વડગામમાં ૧ કેસ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરના ભીમરાવનગર, અક્ષતમ ૨, ભક્તોની લીમડી, હનુમાન ટેકરી, પાલનપુર તાલુકાનું કાણોદર, દેવપુરા, વડગામ તાલુકાનું નોદોત્રા સહિત ડીસામાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા પરિવાર તેમજ અન્ય લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે તેને કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૨૫ પહોંચી ગઈ છે, જ્યારે ૧૪ દર્દીઓનાં મોત નિપજ્યા છે.