પાલનપુર, તા.ર૩
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રખડતાં પશુઓના ત્રાસ અંગે વારંવાર અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ જિલ્લા કલેક્ટરે આ અંગે ગંભીર નોંધ લીધી છે અને રખડતાં પશુઓ પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવા તંત્રના અધિકારીઓને આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે ક,ે રખડતા ઢોર અંગેના અહેવાલના ગુજરાત ટુડેમાં પ્રસિદ્ધ કરાયો હતો જેનો પડધો પડ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હરાયા ઢોર ખેતીના પાકોને નુકશાન કરી રહ્યા છે. જ્યારે શહેરી વિસ્તારમાં અડીંગો જમાવતાં પશુઓ અકસ્માત નોતરી રહ્યા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેએ રખડતાં પશુઓ પકડવા માટે ઝૂંબેશ હાથ ધરવા માટે આદેશ કર્યો છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, આ ઝૂંબેશ શરૂ થશે કે કેમ, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરની વાત કરીએ તો અહિંયા સિમલાગેટ, કિર્તિસ્તંભ, દિલ્હીગેટ, મીરા દરવાજા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, માલણ દરવાજા, ગઠામણ દરવાજા, કોઝી તેમજ હાઇવે ઉપર રખડતાં પશુઓનો અડિંગો ચોવીસ કલાક જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં રખડતી ગાયોના શિંગડાથી પાંચ જેટલા વ્યકિતઓના મોત પણ નિપજી ચૂક્યા છે. નગરપાલિકા અને વહિવટીતંત્ર દ્વારા અગાઉ રખડતી ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પણ તેમની દાદાગીરી સામે તંત્રને પાછી પાની કરી છે. પરિણામે વર્તમાન સમયે રખડતાં પશુઓ શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવી જ રીતે ડીસા શહેરમાં પણ રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઇવે ઉપર રખડતાં પશુઓથી જીવલેણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલા આદેશનું પાલન થાય અને રખડતાં પશુઓની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.
અગાઉ ગાયોના શિંગડા રંગવામાં આવ્યા હતા
પાલનપુર નગરપાલિકા અને કલેક્ટર દ્વારા અગાઉ રખડતી ગાયોને પકડવામાં આવી હતી અને તેના શિંગડા ઉપર રંગ કરવામાં આવ્યો હતો. જેના આધારે ગાયોના માલિક સામે કાર્યવાહી કરવામાં આવનારી હતી. પરંતુ પશુઓના માલિકોની દાદાગીરી સામે તેઓ કશુ કરી શકયા ન હતા.
જિલ્લા કલેક્ટરે આદેશમાં શુ જણાવ્યું ?
જિલ્લા કલેક્ટર દ્વારા એન. એચ. એ. આઇ. પ્રોજેકટ ડાયરેકટર, કાર્યપાલર ઇજનેશ માર્ગ અને મકાન તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આદેશ કરતાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના તમામ શહેરી વિસ્તારો ખાસ કરીને પાલનપુર અને ડીસા નગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લાના અન્ય શહેરી વિસ્તારો પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે- મુખ્યમાર્ગો પર રખડતાં ઢોરોના કારણે અકસ્માતો થઇ રહ્યા છે. જે અતિગંભીર બાબત ગણી શકાય. જેથી આવા ઢોરને તાત્કાલિક અસરથી અન્યત્ર સ્થળાંતરીત કરવા ખાસ કરીને પાલનપુર-ડીસા શહેરમાં ખાસ ઝૂંબેશ હાથ ધરવા અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હાથ ધરાનાર કામગીરીનો એકશન પ્લાન દિન સાતમાં રજૂ કરવાનું જણાવ્યું છે.