અમદાવાદ,તા. ૧૩
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી આજે તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાં બનાસકાંઠા જિલ્લા ભાજપમાં સ્થાનિક જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ મોટું ભંગાણ સર્જાયું હતું. બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ભંગાણને લઇ ભાજપની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કારણ કે, તા.૨૧મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લા પંચાયતની મહત્વની ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પહેલાં જ ભાજપને મોટો ઝટકો વાગ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી અગાઉ કોંગ્રેસમાથી ભાજપમાં જોડાયા હતા પરંતુ હવે તેઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીને માત્ર અઠવાડિયું બાકી છે તે પહેલાં અચાનક જ તેમના સેંકડો સમર્થકો અને ચુસ્ત ટેકેદારો સાથે આજે વિધિવત્‌ રીતે ફરી પાછા પોતાના જૂના પક્ષ એવા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોષી આજે તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું હતુ, પ્રદેશ મોવડીમંડળના નેતાઓ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં જ પડેલા આટલા મોટા ગાબડાથી દોડતા થઇ ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ગામડાઓમાં જોરદાર પછડાટ ખાધા બાદ હવે જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપની શાખ દાવ પર લાગી છે ત્યારે આજનો રાજકીય ઘટનાક્રમ ભાજપ માટે મોટા ઝટકાસમાન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે અને તેથી જ ભાજપે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે પણ ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. દરમ્યાન બીજીબાજુ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણને કોંગ્રેસે આજે હોદ્દા પરથી દૂર કર્યા હતા અને તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની નિમણૂંક કરી હતી. ટિકિટ ફાળવણીમાં કથિત ગેરરીતિના પ્રકરણમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.