પાલનપુર, તા.૮
ગુજરાત સરકારે સોગંદનામા કરવાની સત્તા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને આપવાનો નિર્ણય કર્યો છે. જેનો ધારાશાસ્ત્રીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં બનાસકાંઠામાં પાલનપુર, કાંકરેજ, થરાદ સહિતના બાર એસોસિએશન દ્વારા આ નિર્ણય મોકુફ રાખવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, કાયદામંત્રી, રેવન્યુ મંત્રી, ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીઓ ૩થી ૪ જેટલી પંચાયતોના ચાર્જ સંભાળતાં હોવાથી અને સમયસર હાજર ના રહેતાં હોવાથી પક્ષકારોને પારાવાર મુશ્કેલીઓ ઊભી થવા સંભવ છે. હાલમાં રાજ્યમાં રેવન્યુ કક્ષાએ થયેલા કેસોમાં તલાટી કમ મંત્રીઓની ભૂમિકા શંકાસ્પદ છે. ચાર મહિનામાં ઉ.ગુ.ના એસીબીના કેસોમાં પણ તલાટીઓનો મુખ્ય રોલ જણાય છે. માત્ર ૧૨ પાસ તલાટીકમ મંત્રીઓને આવી સત્તા આપવામાં આવે તો વર્ગ-૧ના અધિકારીના હોદ્દાની ગરીમાં જળવાઈ રહેશે કે કેમ ? પક્ષકારો સોગંદનામાં માટેનો સ્ટેમ્પ કેવી રીતે મેળવશે. તલાટીઓ આ અંગેનું રેકર્ડ જાળવશે કે કેમ તેની કોઇ માર્ગદર્શિકા ન હોઇ દુરૂપયોગ થવાની શકયતાઓ છે. વકીલોની એકમાત્ર આજીવિકા નોટરીના વ્યવસાય ઉપર આધારીત છે અને હાલમાં લોકડાઉનના કારણે છ માસથી કોર્ટનું કામકાજ બંધ હોઇ વકીલોની આર્થિક સ્થિતિ પર ખૂબ જ માઠી અસર પડેલી છે. ત્યારે આ વકીલોને પડતાં પર પાટુ મારવાની નીતિનો સખ્ત વિરોધ કરીએ છીએ.