પાલનપુર, તા.૩
બનાસકાંઠા જિલ્લો અપૂરતા વરસાદને કારણે અનેક વાર અનાવૃષ્ટિનો સામનો કરતો આવ્યો છે અને પાણીના અભાવે ખૂબ મોટી મુશ્કેલીઓ ભોગવતો રહ્યો. જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને દૂધ ઉત્પાદકોની આર્થિક કરોડરજ્જુ સમી બનાસ ડેરીએ વધુ વરસાદ આવે અને જિલ્લો હરિયાળો બને તે માટે મોટાપાયે વૃક્ષારોપણ કાર્યક્રમ આદર્યો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ “ખેતરનું પાણી ખેતરમાં” – “સીમનું પાણી સીમમાં” અને “ગામનું પાણી ગામમાં” રહે એવા ઉમદા વિચારો સાથે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને હાકલ કરતા આજે સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લામાં “બનાસ જળશક્તિ અભિયાન”નો પ્રારંભ થયો. બૃહદ બનાસકાંઠા જિલ્લાના ૧૬ તાલુકા મથકોએ વરસાદી પાણીને રોકવા માટેના આડબંધ, પાળા, ચેકડેમ કે તળાવ બનાવવા માટેના શુભારંભ થતાં “બનાસ જળશક્તિ અભિયાન” થકી સમગ્ર જિલ્લામાં મોટાપાયે જળસંચયના કામો થશે. પ્રાથમિક તબક્કે બનાસ ડેરી સાથે સંયોજિત એવી ૮૦૨ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ ૧૭૦૦ જેટલા જળસંચય માટેના કામોની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે તમામ તાલુકાઓમાં બનાસડેરીના સ્થાનિક ડિરેક્ટરો, ગામના આગેવાનો અને સહયોગી શ્રેષ્ઠીઓના વરદ હસ્તે “બનાસ જળશક્તિ અભિયાન”નો પ્રારંભ થતાં આડબંધ, પાળા કે ચેકડેમના બાંધકામના ખાતમુહુર્ત પણ યોજાયા હતા.
Recent Comments