પાલનપુર, તા.૧ર
બનાસ ડેરીએ કિલો ફેટના ભાવ ૬૧૦ હતા તે વધારીને ૬૨૦ કર્યા છે. આચારસંહિતા લાગુ પડે તેના ૨૪ કલાક પહેલા જ ૯ તારીખે પરિપત્ર કરી દૂધ મંડળીઓને જાણ કરાઇ હતી. નવો ભાવ વધારો ૧૬ માર્ચથી અમલમાં આવશે.
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુર દ્વારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને મિલ્ક કલેકશન સેન્ટર્સને લોકસભા ચૂંટણીની આચારસંહિતાના જાહેર થાય તેના ૨૪ કલાક પહેલા જ પરિપત્ર પાઠવીને નવા ભાવ વધારાની જાહેરાત કરાઈ હતી. ખેડૂતોને ગિફ્ટ આપતા ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ફેડરેશન હેઠળ ૨૧ યુનિયન ચાલે છે. જેમાં સૌથી વધુ ભાવ વધારો બનાસડેરી દ્વારા અપાઈ રહ્યો છે. બનાસ ડેરીની સરખામણીએ અન્ય ડેરીઓ ૫૫૦થી ૬૧૦નો ભાવ પ્રતિકિલો ફેટે આપે છે. જ્યારે બનાસડેરીએ ૬૨૦ રૂપિયા કિલો આપવાની જાહેરાત કરી છે. જેનો અમલ ૧૬ માર્ચથી થશે. બનાસ ડેરીના ઇન્ચાર્જ એમડી કામરાજભાઇ ચૌધરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, “પશુપાલકોને બનાસ ડેરીએ પ્રતિકિલો ફેટે ૧૦ રૂપિયા ભાવ વધારો આપ્યો છે. જેની જાહેરાત ગોબરગેસ પ્લાન્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ચેરમેન શંકરભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી તમામ સહકારી મંડળીઓ અને મિલ્ક કલેકશન સેન્ટરને પરિપત્ર પાઠવી જાણ કરવામાં આવી છે.”