પાલનપુર, તા.૧પ
બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડિકલ સ્ટાફને મળી તેમના ખબર- અંતર પુછી અભિવાદન કરી ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું.
બનાસ ડેરી દ્વારા રૂા.૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્સિજન પ્લા ન્ટમાં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્સિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે ૭ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્સિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ દ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટ ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું.