(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
શહેરના ભટાર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી. આવાસમાં રહેતી એક ૧૪ વર્ષીય કિશોરી પર તેના જ બનેવીએ અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. જોકે નરાધમ બનેવીએ ઘરમાં એકલતાનો લાભ લઇ સાળીને નશીલી કોલ્ડ્રીંક પિવડાવી બેહોશ કર્યા બાદ તેણીને હવસનો શિકાર બનાવતો હતો.
પ્રાપ્ત માહિતી અનસુાર બિહારના ભાગલપુર ખાતેના ધનકુંડ ગામમાં રહેતો ડબલુસીંગ નામનો યુવક વર્ષ ૨૦૧૮માં સુરત ખાતેના ભટાર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી. આવાસમાં પોતાના સાસરે આવ્યો હતો. દરમ્યાન નરાધમ ડબલુસીંગે ઘરમાં એકલતાનો લાભ લઇ પોતાની ૧૪ વર્ષીય સાળીને નશીલુ શરબત પિવડાવ્યા બાદ તેણીને બેભાન કરી અવાર નવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દઇ નાસી છુટ્યો હતો. કિશોરીને પેટમાં દુઃખાવો થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જતા તેણીને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બનાવ સંદર્ભે ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ઘરના જમાઇ ડબલુસીંગ વિરૂદ્ધ બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.