(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગલોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આઈશર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. જોકે ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી, જેને પગલે બસ અને ટ્રકમાં સવાર ૨૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે.
અકસ્માતની જાણ થતાં આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ ૧૦૮ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.