(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશનમાં આજે હાઇકોર્ટે બન્ને પક્ષકારો સમક્ષ એક્ઝિબીટ નમ્બરીંગની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. અગાઉ ધોળકા વિધાનસભા સીટ પર કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન અંતર્ગત તમામ પક્ષકારો તરફથી રજૂઆતો પૂર્ણ થઈ હતી. તમામ પક્ષે વિધિવત રીતે સુનાવણી પૂર્ણ જાહેર કરાઈ હતી. ઇલેક્શન પિટિશનમાં તમામ રેકોર્ડ, પુરાવા અને જુબાનીઓના એક્ઝિબીટ નંબર્સ અપાયા હતા. કુલ ૧૫૧ એક્ઝિબીટ છે. તમામ પક્ષોએ કોર્ટમાં પોતાની લેખિત દલીલો પણ રજૂ કરી દીધી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા ફાઈનલ રજૂઆતોમાં મુખ્યત્વે ધવલ જાનીના ભ્રષ્ટ આચરણ ઉપર ઢાંકપિછોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મુખ્યત્વે આર ઓ. એટલે કે ધવલ દ્વારા ભ્રષ્ટ આચરણ થયું છે કે નહીં તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી તેમના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ધવલ ના કોઈપણ પ્રકારના આચરણથી ચૂંટણી પરિણામો પર અસર થઈ નથી. ધવલ દ્વારા કોઈપણ ભ્રષ્ટ આચરણ કરવામાં આવ્યું નથી ભુપેન્દ્રસિંહ દ્વારા ક્યારેય આ પ્રકારના આચરણને સમર્થન આપવામાં આવ્યું નથી. ભુપેન્દ્રસિંહના વકીલે અહીં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીને સંબધિત ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યત્વે પિટિશનરની જુબાની તથા રીટર્નીંગ ઓફિસર ધવલ જાનીની મતગણતરી કેન્દ્રમાં શંકાસ્પદ ભુમિકા અને મોબાઈલના ઉપયોગ વિશેની જુબાની વંચાણે લેવાઈ હતી. ગત સુનાવણીમાં કોંગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી તેમના વકીલની વિનંતિને ગ્રાહ્ય રાખી કોર્ટે મત ગણતરી મથકના સી.સી.ટી.વી. ફૂટેજ કોર્ટમાં બતાવાયા હતા જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રાઇવેટ સેક્રેટરી મહેતા ની શંકાસ્પદ હિલચાલ તથા મતગણતરી મથકમાં મોબાઇલ ફોનના ઉપયોગને ટાંકીને રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ ઉમેદવાર કે ઉમેદવાર ના એજન્ટ કે કાર્યકર અથવા તેમના કર્મચારી દ્વારા ઉમેદવારની સંમતિથી અથવા ઉમેદવાર વતી અથવા ઉમેદવાર ઇશારે કોઈપણ કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવે અને તે પણ મતગણતરી મથકમાં તો તે સંપૂર્ણપણે કાયદાનું ઉલ્લંઘન છે અને ઉપરોક્ત સીસીટીવી ફુટેજમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના પર્સનલ સેક્રેટરી મેહતા શંકાસ્પદ હિલચાલ કરતા જોવા મળે છે. આ સાથે અરજદાર વતી તેમની રજૂઆતો પૂર્ણ કરાઈ હતી. તમામ પક્ષકારો દ્વારા ફાઈનલ રજૂઆતો પૂર્ણ કરવામાં આવી હતી.