બુધવારે પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોને ઘમરોળનારા અમ્ફાન વાવાઝોડાને કારણે બધું જ ગુમાવી ચૂકેલા પશ્ચિમ બંગાળના માછીમાર સિદ્ધેશ્વર માઝીએ કહ્યું કે, ‘‘હું બરબાદ થઇ ગયો છું, હવે કાંતો ઝેરપી લઉં અથવા ફાંસો ખાઇ લઉં’’ પશ્ચિમ બંગાળમાં માઝી ઉપરાંત તેના જેવા અન્ય પરિવારોએ પણ બધું જ ગુમાવી દીધું છે, આ લોકો પહેલા જ કોરોના વાયરસને કારણે પડેલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા જ્યારે હવે અમ્ફાને તેમને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધા છે. દરિયા કાંઠે આવેલા પોતાના છત વિનાના ઝૂંપડામાંથી માઝીએ કહ્યું કે, તેણે વાવાઝોડાને પોતાની નજરે જોયો છે. માઝી અને તેની પત્ની અલ્પના તાજપુર આવનારા ટુરિસ્ટો માટે ભોજન બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ બીચ દિઘાથી ૨૦ કિલોમીટર દૂર આવેલું છે અને ટુરિસ્ટો માટે વિખ્યાત છે. જોકે, બીચ વાવાઝોડાને કારણે લગભગ નાશ પામ્યો છે. તેણે કહ્યું કે, વર્ષોથી એકઠું કરેલું બધું જ તેણે આ વાવાઝોડામાં ગુમાવ્યું છે. પહેલા તો કોરોના વાયરસને કારણે અને બાકી હતું તે સાયક્લોનમાં ગુમાવ્યું છે. માઝીએ કહ્યું કે, લોકડાઉનને કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ. મેં ત્યારે મારા પરિવારનું ગુજરાન ચલાવવા પ્રયાસ કર્યો. છેલ્લા બે મહિનાથી અમારી કોઇ આવક નથી પરંતુ હવે સાયક્લોન બાદ ઘરની છત પણ રહી નથી. મને ખબર નથી હવે હું શું ખાઇશ, મારી ઊંઘ પહેલાથી જ ઉડી ગઇ છે અને હવે મારી દુકાનમાં કશું જ નથી. જીવવા માટે ભોજન જોઇએ પરંતુ હવે અમારી પાસે એ પણ નથી. હવે મારે ઉધાર નાણા લેવા પડે અથવા સરકાર દ્વારા પુરા પડાતા ભોજન પર આધારિત રહેવું પડે. વરસાદમાં મારા પરિવારને ઢાંકવા મારી પાસે હવે છત પણ નથી. હું નિઃસહાય થઇ ગયો છું અને માત્રે બેસીને દરિયાના મોજાને જોઇ શકું છું.