(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૪
જૂનાગઢના ભેંસાણનાં બરવાળા ગામે કૂતરાને બેરહેમીથી લાકડીના ઘા મારીને પતાવી દેનાર ગામના જ ૩ શખ્સોને પોલીસે ગઈકાલે વાયરલ વીડિયોના આધારે ધરપકડ કરી લોકઅપમાં ધકેલી દીધા હતા. બરવાળા ગામે મંદિરના ઓટલે સુતેલા એક કૂતરા ઉપર લાકડીનો ઘા મારીને હિચકારો હુમલો કરી કૂતરાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ અવાવરૂ જગ્યાએ ફેંકી દેવાની હિચકારી ઘટનાનો વીડિયો વાયરલ થયાના બનાવમાં ભેંસાણના એએસઆઈ પંડ્યાએ ફરિયાદી બની રાહુલ અમરા મોરી, સાગર અને ધોણ દુદા મોરી નામના ૩ રબારી શખ્સો વિરૂદ્ધ પશુ ઘાતકીપણાની કલમ મુજબ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી બરવાળા ગામેથી ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. આવી રીતે અગાઉ કેટલાક પ્રાણીની હત્યા કરી છે! તે અંગે તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાયરલ વીડિયોને આધારે પોલીસે જાતે જ ફરિયાદી બની નિર્દોષ પશુ ઉપર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહીની પહેલ કરતા જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.