(એજન્સી) વડોદરા,તા.૨૦
કોચ તરીકે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બનેલા ડેવ વોટમોરની બરોડા ક્રિકેટ એસોસિયેશનના કોચિંગ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. વોટમોરના કોચિંગ હેઠળ શ્રીલંકાએ ૧૯૯૬માં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. બરોડા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અજિત લેલેએ આ અંગે રવિવારે સત્તાવાર જાહેરાત કરી હતી.
ડેવ વોટમોર આ અગાઉ ઘણી ટીમના કોચ રહી ચૂક્યા છે અને છેલ્લી રણજી સિઝનમાં તેઓ કેરળની ટીમના કોચ હતા. ડેવ વોટમોર બરોડાની રણજી ટીમના કોચ બને તેવી અટકળ છેલ્લા કેટલાક દિવસથી થતી હતી જેને રવિવારે સત્તાવાર સમર્થન મળ્યું હતું. અગાઉ ૨૦૦૮માં ભારતની અંડર-૧૯ ક્રિકેટ ટીમ મલેશિયામાં યોજાયેલા જુનિયર વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની ત્યારે વિરાટ કોહલીની ટીમના કોચ ડેવ વોટમોર જ હતા.
અજિત લેલેએ જણાવ્યું હતું કે ડેવ વોટમોરની રણજી ટીમના કોચ તરીકે વરણી કરવામાં આવી છે અને બે વર્ષ માટે તેઓ ડાયરેક્ટર ઓફ કોચિંગ રહેશે. આ ભૂમિકામાં તેઓ અંડર-૨૩, અંડર-૧૯ અને અંડર-૧૬ ટીમને કોચિંગ આપશે. એમ મનાય છે કે બરોડા ક્રિકેટ એસોસિયેશને આ હોદ્દા માટે વોટમોરને ઓફર કરી હતી જેની સામે તેમણે એસોસિયેશનના સીઇઓ શિશિર હટંગડી સમક્ષ ઓફર સ્વિકારી હતી.