(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૮
સુરેન્દ્રનગર જિલ્લામાં દબાતા પગે બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેના ઓથાર વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર પશુ-પક્ષીઓ સહિત રાષ્ટ્રીય પક્ષીના શંકાસ્પદ હાલતમાં મૃત્યુના બનાવો વધી રહ્યાં છે ત્યારે લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં રહસ્યમય હાલતમાં માદા મોર (ઢેલ) અને તેતર સહિતના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે આ અંગે ખેતરના માલીકે વન વિભાગની ટીમને જાણ કરી હતી.
ઢાંકી પંમ્પીંગ સ્ટેશન માટે ઓળક ગામની સીમમાં બલભદ્રસિંહ ઝાલાના ખેતરમાં એક સાથે ૮ માદા મોર (ઢેલ) અને ૧ તેતર મૃત હાલતમાં મળી આવતાં આસપાસના લોકો સહિત ખેતરમાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને આ અંગે વન વિભાગની ટીમને જાણ કરતાં વન વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં અને વધુ તપાસ હાથધરી હતી તેમજ મૃત તમામ પક્ષીઓનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવામાં આવ્યાં હતાં. જ્યારે મોટીસંખ્યામાં પક્ષીઓના મોત નીપજતાં પક્ષીપ્રેમી સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ અંગે યોગ્ય તપાસ કરી પક્ષીઓના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.