કોડીનાર તા.૭
કોડીનારમાં પોલ્ટ્રી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વારંવાર ચિકન અંગે ફેલાવાતી અફવા વિશે વિરોધ વ્યક્ત કરી પોતાની નારાજગી દર્શાવી અફવા ફેલાવનારા તત્વો સામે કાયદાકીય પગલાં ભરી મરણપથારી એ રહેલા પોલ્ટ્રી ઉદ્યોગને ફરીથી બેઠું કરવા આર્થિક પેકેજ આપવા આવેદનપત્ર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગે કોડીનાર પોલ્ટ્રી ફાર્મરો દ્વારા મહેંદીહસન નકવીની આગેવાની હેઠળ મામલતદાર વતી મુખ્યમંત્રીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં પક્ષીઓમાં બર્ડ ફલૂ બીમારી ચાલી રહી હોવાના અહેવાલો વચ્ચે અમુક લોકો જાણી જોઈને આ બીમારીને મરઘાં સાથે જોડી તેના વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હોવાના કારણે પોલ્ટ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. અમુક અસામાજિક તત્ત્વો દ્વારા પોલ્ટ્રી સેક્ટરને બદનામ કરવા વારંવાર બીમારીઓને પોલ્ટ્રી સાથે જોડી ખોટી અફવા ફેલાવવામાં આવે છે. જેનાથી પોલ્ટ્રી ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું હોય કોડીનારના પોલ્ટ્રી ફાર્મરો દ્વારા અફવા ફેલાવનારા તત્ત્વો સામે કડક પગલાં ભરવા અને મરણપથારીએ પડેલા પોલ્ટ્રી સેક્ટરને રાહત આપવા આર્થિક પેકેજ જાહેર કરવા માગણી કરવામાં આવી છે.