શિમલા,તા.૪
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા સ્થિત પૉન્ગ ડેમ વિસ્તારમાં ૧૮૦૦થી વધુ પ્રવાસી પક્ષીઓના રહસ્યમય મોતને કારણે અફડા તફડી મચી ગઈ છે. કાંગડા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ વાઈલ્ડલાઈફ ઓથોરિટીએ મૃત્યુનાં કારણો શોધવા માટે ભોપાલની હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબમાં મૃત પક્ષીઓનાં નમૂનાઓ મોકલ્યા છે. ૨૯ ડિસેમ્બરે પૉન્ગ ડેમ લેક વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના ફીલ્ડ સ્ટાફને આખા વિસ્તારમાં મૃત પક્ષીઓ શોધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન નગરોટાના જાવલી બીટના ધમેટા અને ગુગલારા વિસ્તારના વન્યપ્રાણી રેન્જના માઝર, બઠારી, સિહલ, જગનોલી, છત્તા, ધમેતા અને કુઠેરામાં ૪૨૧ સ્થળાંતરિત પક્ષીઓ મળી આવ્યા હતા. બીજા દિવસે પણ મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. કાંગડાના ડેપ્યુટી કમિશનર કમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાકેશકુમાર પ્રજાપતિએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ એક આદેશ જારી કર્યો હતો કે, ડેમના જળાશયના એક કિલોમીટરમાં કોઈ પણ માનવ કે પશુધન પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ વિસ્તારને એલર્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સર્વેલન્સ ઝોન તેનાથી ૯ કિમી આગળ છે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમયે કોઈ પણ પ્રકારના રોગની સંભાવના નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં તે વધુ ન ફેલાય તે માટે પ્રોટોકોલ મુજબ ડેમના ૧૦ કિલોમીટર સુધીના રક્ષણાત્મક પગલાં અપનાવવા જરૂરી છે. મુખ્ય વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અર્ચના શર્માએ જણાવ્યું હતું કે, મોટાભાગના મૃત પક્ષીઓ બેયરહેડેડ ગીસ છે, જે મધ્ય એશિયામાં જોવા મળે છે. અર્ચનાએ માહિતી આપી હતી કે તમામ જિલ્લાના ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર (વન્યપ્રાણી) ને તેમના અધિકાર ક્ષેત્રમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ પર નજર રાખવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.