અમદાવાદ,તા. ૭
અમદાવાદથી દિલ્હી જતી ગો એરની ફલાઇટને આજે વહેલી સવારે બર્ડ હિટ નડી જતાં પ્લેનનું એન્જિન બંધ થઇ ગયુ હતું, જેના કારણે પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતા, બીજીબાજુ, ફલાઇટના પાયલોટે સમયસૂચકતા દાખવી પંદર મિનિટમાં જ ફલાઇટ પાછી વાળી ઇમરજન્સી લેન્ડીંગ કરાવતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી આજે સવારે ગો એરની અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સવારે ૮-૨૫ મિનિટે ટેક ઓફ થઇ હતી, ફલાઇટ જેવી ઉડીને હવામાં પહોંચી કે, થોડીવારમાં અચાનક જ કયાંકથી કોઇ પક્ષી આવીને ફલાઇટ સાથે અથડાયું હતું. જેના કારણે ફલાઇટનું ડાબી બાજુનું એન્જિન બંધ પડી ગયું હતું. એન્જિન બંધ પડતાં પાયલોટ પણ સહેજ ગભરાઇ ગયો હતો, તો બીજીબાજુ, ફલાઇટમાં બેઠેલા પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતા. જો કે, ફલાઇટ હજુ બહુ આગળ નહી ગઇ હોવાથી પાયલોટે સમયસૂચકતા દાખવી તરત જ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ(એટીસી)ને જાણ કરી હતી અને ઇમરજન્સી લેન્ડીંગ માટે પરવાનગી માંગી હતી. ત્યારબાદ ગો એર ફલાઇટનું તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું અને મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઇ હતી. ફલાઇટના પાયલોટ સહિત પ્રવાસીઓ અને એરપોર્ટ ઓથોરીટીએ પણ રાહતનો દમ લીધો હતો. દરમ્યાન ફલાઇટનું એન્જિન જ બંધ પડી ગયું હોવાથી તે ટેક ઓફ કરી શકે તેવી સ્થિતિમાં ના હતી અને તેથી પ્રવાસીઓ અટવાઇ પડયા હતા. પ્રવાસીઓએ ગો એરના અધિકારીઓને દિલ્હી જવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગણી કરી હતી જો કે, અધિકારીઓએ તેમની પાસે ઇમરજન્સીમાં કોઇ ફલાઇટની વ્યવસ્થા નહી હોવાની લાચારી દર્શાવી હતી. જેને પગલે પ્રવાસીઓ ઉશ્કેરાયા હતા અને એરપોર્ટ પર ગો એરના અધિકારીઓ અને તંત્ર વિરૂધ્ધ ભારે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી દિલ્હી જતી આ ફલાઇટ કેન્સલ થઇ જતાં અનેક પ્રવાસીઓ રઝળી પડયા હતા અને તેમના અગત્યના શીડયુલ ખોરવાઇ ગયા હતા, જેના કારણે તેઓએ ગો એરના અધિકારીઓ પર ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વહેલી સવારમાં જ એરપોર્ટ પર મચેલા હોબાળા અને ઉહાપોહને પગલે ખુદ એરપોર્ટ ઓથોરીટી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પ્રવાસીઓને મહામહેનતે સમજાવી સમગ્ર મામલો થાળે પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર પક્ષીઓ ઉપરાંત, ગાય, કૂતરા સહિતના પશુ-પ્રાણીઓના ત્રાસની ઘટનાઓ સામે આવતી જ રહે છે. આ સિવાય, એરપોર્ટની આસપાસ વાંદરા, નોળિયા, સસલા સહિતના પ્રાણીઓની પ્રજાતિ પણ સારી એવી સંખ્યામાં જોવા મળી રહી છે ત્યારે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કાયમી ધોરણે કોઇ પગલા લેવાય તેવી માંગણી પ્રવાસીઓમાં ઉઠવા પામી હતી, અન્યથા કોઇક દિવસ એરપોર્ટ પર ફલાઇટને લઇ કોઇ મોટી દુર્ઘટના સર્જાવાની શકયતા નકારી શકાતી નથી. દરમ્યાન ગો એરની ફલાઇટની વ્યવસ્થા સાંજે ચાર વાગ્યા પછી કરવામાં આવી હતી.