અમદાવાદ, તા.૩
મહિલા ક્રાઈમ બ્રાંચની મહિલા પીએસઆઈએ બળાત્કાર કેસના આરોપી પાસેથી ટુકડે-ટુકડે ૩૫ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાતા પોલીસ જે બાદમાં અરજીઓ પર મહિલા ક્રાઇમમાં થતો વહીવટ હવે ખુલ્લો પડ્યો છે.
આરોપી પર બળાત્કાની બે ફરિયાદ નોંધાઈ હતી અને તે માટે આરોપીને પાસા ન કરવા ૩૫ લાખ રૂપિયા માંગ્યા હતા. આરોપીએ ટુકડે ટુકડે ૩૫ લાખ ચૂકવ્યા હતા. આરોપીએ આંગડિયા અને ચેક મારફતે પૈસા આપતા પુરાવા એકત્રિત કરી આ ફરિયાદ નોંધવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો પૈસા આપ્યા બાદ આરોપીએ પીએસઆઈ સામે અરજી કરી હતી અને મોટા માથાઓની ઓળખાણથી પીએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે તપાસ એસઓજીને સોપાતા એસઓજીએ મહિલા પીએસઆઈ શ્વેતા એસ જાડેજાની અટકાયત કરી છે. પીએસઆઈ જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં તેઓને એક કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો વર્ષ ૨૦૧૯નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા પીએસઆઈને સોંપવામાં આવી હતી. બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા પીએસઆઈએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદાકીય ધાકધમકી આપી તેને પાસામાં ધકેલી દેવાની ચીમકી આપી હતી. જો પાસા ન કરવા હોય તો ૩પ લાખની માગણી કરી હતી. જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા પીએસઆઈના કહેવાથી ૨૦ લાખ રૂપિયા આંગડિયાથી મોકલી આપ્યા હતા. ત્યારબાદ ફરીથી આરોપીને બોલાવીને પાસા ન કરવાની ધમકી આપી રૂા.૧પ લાખની માગણી મહિલા પીએસઆઈએ કરી હતી.