સિદ્ધપુર, તા.૩
સિદ્ધપુરના ખળી ગામે બહારથી ર૦૦ માણસો ઘૂસી ગયા છે અને એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. એવી અફવા કોઈ ભાગલાવાદી શખ્સે ફેલાવી હતી. જો કે, જે વ્યક્તિનું મોત થયાનું જણાવ્યું હતું તે વ્યક્તિ કતારમાં જીવિત હોવાનું જાણવા મળેલ છે, આમ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ ઊઠી છે. સિદ્ધપુરના ખળી ગામે બહારના ર૦૦ જેટલા માણસો ઘૂસી ગયા છે અને એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે, એવી અફવા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી વાયરલ કરાઈ હતી. આવી પાયા વગરની વાતની સાચી હકીકત જાણ્યા વિના કે ખાતરી કર્યા વગર અન્ય શખ્સોએ પણ આ પોસ્ટને પોતાના ગ્રુપમાં વાયરલ કરતા પોલીસતંત્ર, આરોગ્ય વિભાગ તથા પંચાયત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો. આ અંગે પોલીસ વિભાગ મામલતદાર, ટીડીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં તપાસ કરવામાં આવી હતી. જો કે, ર૦૦ માણસો ઘૂસી ગયાની વાત અફવા સાબિત થઈ હતી. જ્યારે જે વ્યક્તિનું મોત થયું હોવાનું ચર્ચાતું હતું તે ભાઈ કતારમાં જીવિત હોવાનું જાણવા મળેલ, આમ કોઈપણ વજૂદ વિનાની અને પાયા વિનાની લોકોમાં ગભરાટ, ભય અમે દહેશતનો માહોલ ઊભો કરતી પોસ્ટ કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોમાં માંગ ઊઠવા પામી છે.