(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧૭
મહેસાણા જિલ્લાના બેચરાજી હાઈવે ઉપર થઈને ગઈકાલે સાંજના સુમારે પસાર થઈ રહેલા મરઘા ભરેલા બે પિકઅપ ડાલા ઓને કેટલાક સ્થાનિક લોકોએ જીવદયાના નામે રોક્યા હતા. ત્યારબાદ આ બંને પિકઅપ ડાલા માં ભરેલા ૮૦૦ જેટલા મરઘા ઓને બળજબરીપૂર્વક સ્થાનિક યાત્રાધામ ખાતે આવેલ વલ્લભ ભટ્ટ ની વાવ મુક્ત કરી દેવાયા હતા જેના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વળી, પિકઅપ ડાલા ના બંને ચાલકોને સ્થાનિક પોલીસને સોપી દેવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ ગુનો બનતો ન હોવાથી પોલીસે પાછળથી તેઓને છોડી મૂક્યા હોવાનું જાણવા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી મહેસાણા પંથકમાં કોમી વૈમનસ્ય બગડે તેવું વાતાવરણ સર્જાયું છે. ગત સપ્તાહે મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વિડિયો ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવ્યા હતા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ બેચરાજી ખાતે મંગળવારની સાંજે આ પ્રકારની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, બેચરાજી હાઈવે ઉપર થઈને મરઘા ભરેલા બે પિકઅપ ડાલા પસાર થઈ રહ્યા હતા. તે વખતે સ્થાનિક લોકો એકઠા થઇ જતા પિકઅપ ડાલાને અટકાવ્યા હતા. ત્યારબાદ જીવદયાના નામે તેઓએ ખુલ્લી દાદાગીરી કરી પિકઅપ ડાલા ના ચાલકો સાથે રકઝક કરી હતી. જેના પગલે અહી ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પિકઅપ ડાલા ના ચાલકોની વિનવણી ની દરકાર કર્યા સિવાય પિકઅપ ડાલા માં ભરવામાં આવેલા ૮૦૦થી વધુ મરઘાઓ ત્યાંથી યાત્રાધામ ખાતે આવેલ વલ્લભ ભટ્ટ ની વાવ માં લઈ જઈ ત્યાં છોડી દેવાયા હતા. જેના કારણે મરઘા માલિકોને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મરઘા ભરેલા પિકઅપ ડાલા ના ડ્રાઈવરોને સ્થાનિક લોકોએ પોલીસને સોંપી દીધા હતા.જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ ગુનો બનતો ન હોવાથી પોલીસ પણ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. જેના કારણે મામલો થાળે પડતા વાહન સાથે બંને ચાલકોને છોડી દેવાયા હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધપાત્ર છે કે, રાજ્ય સરકાર દ્વારા મરઘા ઉછેર માટે પોલ્ટ્રી ફોર્મ ને વિવિધ યોજનાઓ બનાવી રોજગારી પૂરી પાડવામાં આવે છે. ત્યારે બેરોજગારોને રોજગારી મળે તે માટે મરઘા ઉછેર કેન્દ્ર ખોલવા માટે વહીવટીતંત્ર દ્વારા બેરોજગાર યુવાનોને પંદર દિવસની તાલીમ શિબિરો પણ યોજી રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. પરંતુ બેચરાજીમાં ગઈકાલે જીવ દયા ના ઓથા હેઠળ મરઘા ના વ્યવસાય સાથે જોડાયેલા યુવાનોને ખોટી રીતે હેરાનગતિ કરી તેઓના મરઘાઓ રેઢા મૂકી દેવાતા ભારે નુકસાન કરવામાં આવ્યું છે. ઘટના સંદર્ભે સમગ્ર પંથકમાં કહેવાતા જીવ દયા પ્રેમીઓ પ્રત્યે ફિટકારની લાગણી પ્રસરી જવા પામી છે.