(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૫
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલી દાણીલીમડા, બહેરામપુરા ટીપી નંબર ૩૮/૧ અને ૩૮/૨નો ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યાને ૨૭ વર્ષ વીતિ ગયા છતાં ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી નથી. હવે આ ટીપી સ્કીમ નંબર ૩૮/૧ રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી હોવાથી રહેણાક વિસ્તારમાં જે રિઝર્વ પ્લોટમાં બાંધકામો થઈ ચૂક્યા છે. તેને રેગ્યુલર કરવા બહેરામપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખએ રાજ્યના શહેરી વિકાસ મંત્રીને પત્ર પાઠવી માગણી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં બહેરામપુરા વિસ્તારની દાણીલીમડા-બહેરામપુરા ટીપી નંબર ૩૮/૧ અને ૩૮/૨નો ડેવલપમેન્ટ પ્લાન ૧૯૯૦માં બનાવવામાં આવ્યો હતો. ર૦૦રના તોફાનો પછી મોટા પ્રમાણમાં વિસ્થાપિતોએ આ વિસ્તારમાં આવાસો બનાવ્યા છે. આ વિસ્તારની ટીપી સ્કીમ નં.૩૮/૧ હાલમાં રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે. તેમાં જે ટીપી રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે. તેનો અમલ કરવામાં આવે તો આશરે ૩૦૦૦ મકાનો તોડવા પડે તેમ છે જે બાબતે અમે સક્ષમ અધિકારી સક્ષમ રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ સ્કીમમાં રહેણાક વિસ્તારમાં જે પાકા મકાનો છેલ્લા ર૦ વર્ષમાં બાંધકામ આવ્યા છે તે મકાન માલિકોને રિઝર્વ પ્લોટ અંગે માહિતી નહોતી માટે રહેણાક વિસ્તારમાં જે રિઝર્વ પ્લોટમાં બાંધકામો થયા છે. તેમને રેગ્યુલર કરવામાં આવે ટીપી ૩૮/૧માં હોસ્પિટલો, સ્કૂલ, પાણીની ટાંકી, ડ્રેનેજ પંપીગ સ્ટેશન વગેરે માટે કોમર્શિયલ વિસ્તારમાં રિઝર્વ પ્લોટ હતા. તેને અધિકારીઓ અને તેમના વચેટિયાઓએ ભેગા મળીને રિઝર્વ પ્લોટમાં કાઢી નાખીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. માટે આ બાબતની તપાસ સમિતિ નિમિત્તે આ વિસ્તારના લોકોને ન્યાય મળે અને અમારા વિસ્તારના ડેવલપમેન્ટ માટે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી ન થાય તે માટે તાકીદે પગલાં ભરવા માગણી કરી છે.