પ્રાથમિક તપાસમાં એરકન્ડિશનરમાંથી  લીક થયેલા ગેસના કારણે આ વિસ્ફોટ  થયો હોવાનું જાણવા મળ્યું છે

(એજન્સી) ઢાકા, તા.૫
બાંગ્લાદેશની એક મસ્જિદમાં શુક્રવારે થયેલા શંકાસ્પદ ગેસ વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ બાંગ્લાદેશના નારાયણગંજ જિલ્લામાં આવેલી બૈતુલ સલાત મસ્જિદમાં શુક્રવારે રાત્રે ઈશાની નમાઝના સમયે એકસાથે છ એ.સી.માં વિસ્ફોટ થયા હતા. તપાસકર્તાઓએ એ.સી.માંથી લીક થયેલા ગેસના કારણે આ દુર્ઘટના ઘટી હોવાની શંકા વ્યક્ત કરી હતી. નારાયણગંજના ચીફ ફાયર ઓફિસર અબ્દુલ્લાહ અલ આરેફિને કહ્યું હતું કે, ‘લીક થયેલો ગેસ મસ્જિદમાં ભરાઈ ગયો હતો જ્યારે એરકન્ડિશનની સ્વીચ ચાલુ કરવામાં આવી ત્યારે ઉત્પન્ન થયેલા વીજળીના તણખાના કારણે આ વિસ્ફોટ થયો હતો. ઢાકાની શેખ હસીના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. સામંતા લાલ સેને કહ્યું હતું કે, ‘૩૭ ઘાયલોને તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આ પણ કહ્યું હતું કે, ર૧ દર્દીઓની હાલત ખૂબ જ ગંભીર છે. તેઓ ૭૦થી ૮૦ ટકા જેટલા દાઝી ગયા છે. મીડિયા અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં એક બાળક પણ સામેલ છે. વડાપ્રધાન શેખ હસીનાએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને હોસ્પિટલમાં ફોન કરી ઘાયલોના ખબર-અંતર પૂછ્યા હતા.