ઢાકા,તા.૩૧
બાંગ્લા દેશમાં રવિવારે પહેલી મહિલા બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાઇ ગઇ. મુસ્લિમ દેશ હોવાથી આ સ્પર્ધામાં બિકિની પહેરીને સ્નાયુબદ્ધ કાયા દેખાડવા પર પ્રતિબંધ હતો. આ સ્પર્ધામાં ૧૯ વર્ષની અને પરિણીત મહિલા એવોના રહેમાન વિજેતા જાહેર થઇ હતી. ટ્રેક સૂટ પહેરવા છતાં આ મહિલાઓ સ્નાયુબદ્ધ કાયા રજૂ કરી શકી હતી. બાંગ્લા દેશ મુસ્લિમ રાષ્ટ્ર હોવાથી સ્પર્ધા જાહેર થઇ ત્યારેજ બિકિની નહીં પહેરવાની શરત જેવા કેટલાક પ્રતિબંધો જાહેર થયા હતા. આમ છતાં દેશભરમાંથી કુલ ૨૯ મહિલાઓ આ સ્પર્ધામાં સામેલ થઇ હતી. આ સ્પર્ધા માટે ખાસ ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા ત્રણ દિવસ ચાલી હતી જેની પરાકાષ્ઠા રૂપે અવોના રહેમાનને વિજેતા જાહેર કરાઇ હતી. દેશના ખૂણે ખૂણેથી દર્શકો પણ ઉમટ્યા હતા. અવોનાએ પોતે આ સ્પર્ધા જીતી ગઇ એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મેં આ સ્પર્ધા માટે ખૂબ વર્ક આઉટ કર્યા હતા. મને ચેમ્પિયન જાહેર કરાઇ એમાં મારી મહેનત સાર્થક થઇ હોય એવું લાગે છે. અવોનાનો સગો ભાઇ પોતે પણ બોડી બિલ્ડર છે અને એક જિમ ચલાવે છે. એણે અવોનાને બોડી બિલ્ડીંગ માટે પ્રોત્સાહિત કરી હતી. અવોનાએ પોતાની જિતનો યશ પોતાના મટાભાઇને આપ્યો હતો.