(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૫
અમદાવાદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા નવાબ નગર- ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા આમીર શેખની બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે અટકાયત કરાયેલી છે. આ મુદ્દાને અનુલક્ષીને આમિરની માતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરેલી છે. સુનાવણી બાદ હાઇકોર્ટે એસ.ઓ.જી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આ વ્યક્તિને એસ.ઓ.જી.ના એસીપીની ઓફિસમાં લાવીને વીડિયો કોન્ફરન્સિંગથી હાઇકોર્ટ સમક્ષ રજૂ કરો. આ અરજી પરની વધુ સુનાવણી હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે.
હાઇકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે એસ.ઓ.જી.એ બાંગ્લાદેશી હોવાની આશંકાના આધારે આમિર શેખની ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે. આ વ્યક્તિનો જન્મ ૬ જુલાઈ ૨૦૦૪ના રોજ ભારતમાં થયેલો છે. તેના આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો પણ છે. તેનો પરિવાર પણ બે પેઢીથી ભારતમાં રહે છે. એસઓજીએ માત્ર શંકાના આધારે કોઈ પણ પુરાવા વગર આમિરની તેના કામના સ્થળેથી ૧૮ જૂનના રોજ ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે. આ વ્યક્તિને પોલીસ હાજર કરે અને તેને મુક્ત કરવામાં આવે.