(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારના નવાબ નગરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે આમીર શેખ નામના વ્યક્તિની અટકાયત કરેલી છે જેની સામે યુવકની માતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરેલી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, આમીર શેખ જે શાળામાં અભ્યાસ કરતો હતો, તે શાળા (મ્યુનિસિપલ શાળા નં.૬-રાયખંડ) તેનું લિવિંગ સર્ટીફિકેટ, જન્મતારીખનો દાખલો રજૂ કરે, આ ઉપરાંત અરજદારના પરિવારે તેમના દસ્તાવેજોમાં નામ, જન્મતારીખ અને બીજી બાબતોના સુધારા માટે ભૂતકાળમાં જે અરજી કરેલી છે, તેમાં કલેક્ટર ઓફિસ તેમને મદદ કરે, આ કેસની વધુ સુનાવણી ૨૪ જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટમાં અરજદારના વકીલે આમીર શેખના વિવિધ દસ્તાવેજો રજૂ કર્યા હતા. જો કે, તેમાં નામ, જન્મતારીખ અને વર્ષ અલગ હોવાથી સરકારે આ દસ્તાવેજ સંદર્ભે આશંકા વ્યક્ત કરેલી છે.