પેન્સિલવેનિયાના પરિણામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની હાર નિશ્ચિત થઈ
(એજન્સી) વોશિંગ્ટન, તા. ૭
અમેરિકા સહિત વિશ્વભરમાં જેની રાહ જોવાઇ રહી હતી તેવા અમેરિકી ચૂંટણીના પરિણામ આખરે આવી ગયા છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને વ્હાઇટ હાઉસની લડાઇ જીતી લીધી છે. બાઇડેને અમેરિકાની સૌથી વિવાદાસ્પદ અને રસાકસીભરી ચૂંટણીમાં સૌથી વિવાદિત રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મોટા અંતરથી હરાવ્યા છે. અમેરિકાના દશકોના ઇતિહાસમાં કોઇપણ સમયે આવો વિવાદ થયો નથી. પેન્સિલવેનિયામાં વિજય મેળવતાની સાથે જ જો બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપીને અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપ્રમુખ બની ગયા છે. છેલ્લા ચાર રાજ્યોમાં ત્રણ દિવસથી પરિણામ અટકી ગયા હતા ત્યારે ટોચની સમાચાર ચેનલો સીએનએન, એનબીસી અને સીબીએસ દ્વારા અમેરિકાના સમય અનુસાર સવારે ૧૧.૩૦ વાગે જ ૭૭ વર્ષના ડેમોક્રેટ ઉમેદવારના પક્ષમાં પેન્સિલવેનિયામાં જીત ઘોષિત કરી દીધી હતી. આ પરિણામ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવાનો બાઇડેનનો માર્ગ પ્રશસ્ત થઇ ગયો હતો. પેન્સિલવેનિયામાં જીત મેળવી બાઇડેને પોતાના વોટનો આંકડો વધારીને ૨૮૪ પર પહોંચાડી દીધો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ ૨૧૪ મતો પર અટકીગયા હતા.
દરમિયાન પરિણામ આવ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી જોકે, તેમણે મંગળવારે પ્રથમ દિવસની મતગણતરી પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને ગણતરી રોકવાની માગણી કરી હતી. તેમના આ આરોપોને અમેરિકી મીડિયા તથા વિદ્વાનોએ ભારપૂર્વક વખોડી કાઢ્યા હતા અને ટ્રમ્પને સૌથી જુઠ્ઠા વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા. આ પહેલા શનિવારે મતગણતરી પહેલા જ્યારે તેઓ વર્જિનિયાના પોતાના ગોલ્ફ કોર્સમાં જઇ રહ્યા હતા ત્યારે પણ ટિ્વટ કરીને દાવો કર્યો હતો કે, હું આ ચૂંટણી મોટા અંતરથી જીતી ગયો છું. પરિણામ આવ્યા બાદ ૩૦ વર્ષમાં સૌથી ખરાબ રીતે હારવાનો રેકોર્ડ પણ ટ્રમ્પના નામે નોંધાઇ ગયો છે. ૧૯૯૦ બાદ કોઇપણ રાષ્ટ્રપતિ પોતાની બીજી ચૂંટણી હાર્યો નથી અને આ ક્રમ ટ્રમ્પે તોડી નાખ્યો છે. બાઇડેને પણ આ વખતે સૌથી વધુ ૭૪ મિલિયન મતો મેળવ્યા છે જે કોઇપણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી વધારે છે.જો બાઇડેન હવે ૨૦મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. આ સાથે જ બાઇડેન સૌથી વૃદ્ધ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પણ નોંધાઇ ગયા છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ઉંમરમાં રાષ્ટ્રપતિ બન્યા હતા.
Recent Comments