(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત જિલ્લાના બારડોલી-બામણી ગામ ખાતે રહેતા એક યુવકે મોટર સાયકલની લોનનાં હપ્તા ચૂકવવા કોઈક વ્યક્તિ પાસે હાથ ઉછીના નાણાં લીધા હતા અને તે નાણાં ચૂકવી ન શકતા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બામણી ગામ ખાતે રોહિતભાઈ શંકરભાઈ હળપતિ રહે છે. ૨૫ વર્ષનો આ યુવક ફાઈલિંગનું કામ કરે છે. તેમણે સ્પલેન્ડર મોટર સાયકલ લોન પર લીધી હતી. આ લોનના હપ્તા તેમણે દર મહિને ભરવાના હતા એટલે લોનના હપ્તા ભરવા માટે તેમણે કોઈ સગા સંબંધી પાસેથી હાથ ઉછીના નાણાં લીધા હતા. છેલ્લા કેટલાય મહિનાથી રોહિત હળપતિને ડ્રાઈવિંગનું કામ મળતું ન હતું. એટલે તેઓ સગા સંબંધી પાસેથી લીધેલ ઉછીની રકમ ચૂકતે કરી આપવા અસમર્થ હતો. છેલ્લા કેટલાય સમયથી તેઓ ટેન્શનમાં રહેતા હતા અને અંતે તેમણે હરિપુરા ગામના ખેતર પાસે ઝાડ પર દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.