(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
બીલીમોરા આઈટીઆઈમાં અભ્યાસ કરતા ત્રણ આશાસ્પદ વિદ્યાર્થીઓની બાઈક બીલીમોરા ડુંગરી રોડ પર માલવણ ગામ પાસે સીમમાં સ્લીપ થઈ ઝાડ સાથે અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર બીલીમોરા આઈટીઆઈમાં અભ્યાસ કરતા જીજ્ઞેશ મહેશભાઈ મોરેશ્વ (ઉ.વ.૨૨), (રહે. ચીકલવાડી, બીલીમોરા), ૠત્વિક જગદીશભાઈ પટેલ (ઉ.વ.૧૯ રહે. લક્ષ્મીનગર, બીલીમોરા, તા.ગણદેવી) અને દેવ મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૧૯, રહે. ભાઠાગામ, તા.ગણદેવી) ત્રણેય મિત્રો એક પલ્સર બાઈક પર બીલીમોરા ડુંગરી રોડ પરથી ગતરાત્રે પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન બીલીમોરા ડુંગરી રોડ પર માલવણ ગામે રસ્તા પર વળાંકમાં બાઈક પરથી કાબૂ ગુમાવી દેતા મોટર સાયકલ સ્લીપ થઈ જતાં જીવલેણ અકસ્માત સર્જાતા જીજ્ઞેશ અને ૠત્વિકના ઘટનાસ્થળે લોહી લુહાણ હાલતમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે દેવને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા બેભાન હાલતમાં જ દેવનું કરૂણ મોત નીપજ્યું હતું. આઈટીઆઈમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી.