(એજન્સી) તા.ર૧
નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જો બાઈડેનનું વહીવટીતંત્ર જેરૂસલેમમાં અમેરિકી દૂતાવાસને રાખશે, સેનેટ કન્ફર્મેશન હિયરિંગ ખાતે બાઈડેનના રાજ્ય સચિવ પદ માટેના ઉમેદવાર ગઈકાલે એમ જાહેરાત કરી હતી. ટેકસાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રુઝે પૂછ્યું કે શું તમે સંમત થાઓ છો કે જેરૂસલેમ ઈઝરાયેલનું પાટનગર છે અને શું તમે વચન આપો છો કે યુએસ જેરૂસલેમમાં અમારૂં દૂતાવાસ રાખશે ? વિદાય લેતા યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુખ્ય વિદેશ નીતિના નિર્ણયોમાંથી એકની જાળવણી કરતા એન્થોની બ્લિંકેને જવાબ આપ્યો, હા, હા. ર૦૧૮માં ટ્રમ્પે અમેરિકી દૂતાવાસને તેલ-અવિવથી જેરૂસલેમમાં ખસેડી દીધું હતું. દાયકાઓ સુધીની આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ વિરૂદ્ધ એક મુખ્ય વિદેશ નીતિ તરીકે આ પગલું ભરવામાં આવ્યું હતું. જેનાથી ઈઝરાયેલી આગેવાનો ખુશ થઈ ગયા છે અને સ્પર્ધાત્મક જેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપીને પેલેસ્ટીનીઓને નારાજ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે હજુ સુધી જેરૂસલેમને ઈઝરાયેલના પાટનગર તરીકે માન્યતા આપવાનું રોકી રાખ્યું છે. તદુપરાંત બ્લિંકેને સંકેત આપ્યા હતા કે બાઈડેન એક જુદા પેલેસ્ટીની રાજ્ય માટે વધુ પ્રયાસ કરશે પરંતુ એમાં સાથે સાથે મુશ્કેલીઓ પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ બહિષ્કારો દ્વારા ઈઝરાયેલ પર દબાણ લાવવા માટેના અભિયાનોનો વિરોધ કરે છે અને આ મુદ્દાનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો એ કહેવાતું દ્વિ-રાજ્ય સમાધાન છે. તેમણે ઉમેરતા કહ્યું કે જ્યાં સુધી મારૂં માનવું છે, આ મુદ્દા પર આગળ વધવાની શક્યતાઓને જોવી મુશ્કેલ છે.