ગુહા ,જેયા અને કલાથીલની ત્રિપુટી મોદી સરકાર દ્વારા માનવ અધિકાર ભંગના અને કાશ્મીર મામલે બાજ નજર રાખશે

(એજન્સી) તા.૨૧
જો બાઈડને અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે હવે ટૂંક સમયમાં સાઉથ એશિયન મીડિયા અને ખાસ કરીને ભારતીય અખબારો અને ટીવી ચેનલો જે બાઈડન પ્રશાસનમાં ભારતીયોની મહત્ત્વપૂર્ણ પદ પર થયેલી નિમણૂંકોના મોટા પાયે ગુણગાન ગાવાનું શરૂ કરશે, જેમ કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના દ.એશિયાઇ સિનિયર ડાયરેક્ટર તરીકે સુમોના ગુહા, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ટેકનોલોજી એન્ડ નેશનલ સિક્યોરિટીના સિનીયર ડાયરેક્ટર તરીકે તરૂણ ઝાબડાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ કલાથીલની ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્‌સના કોઓર્ડિનેટર તરીકે અને ઉઝરા જેયાની ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સિવીલીયન સિક્યોરિટી, ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્‌સના અંડર સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઇ છે. કાશ્મીરી મૂળના બે મહિલાઓને પણ આગામી ડેમોક્રેટીક પ્રશાસનમાં વરિષ્ઠ પદ પ્રાપ્ત થયાં છે. જેમાં સમીરા ફઝીલીની યુએસ નેશનલ ઇકોનોમિ કાઉન્સિલમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે અને આયશા શાહની વ્હાઇટ હાઉસ ઓફીસ ઓફ ડિજીટલ સ્ટ્રેટેજીના પાર્ટનરશીપ મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.આ બધી નિમણૂંકોને ભારત માટે રાજદ્વારી રીતે વરદાનરુપ પુરવાર થશે એ રીતે બિરદાવવામાં આવી રહી છે.
પરંતુ અમેરિકન પ્રશાસનમાં ભારતીય મૂળના લોકોની કામગિરીનો રેકોર્ડ સૂચવે છે કે તેઓ અન્ય અમેરિકનો કરતાં ભારતીયોની વધુ ટીકા અને આલોચના કરે છે. આમ બાઈડેન પ્રશાસનમાં ઉચ્ચ સ્થાને બિરાજતા ભારતીય મૂળના અમેરિકનો ભારતને મદદરુપ થશે એવું લાગતુ નથી. ખાસ કરીને મોદી સરકારે ભારતમાં મુસ્લિમ લઘુમતી સમુદાય પ્રત્યે જે પ્રકારનું કડક અને ઓરમાયુ વર્તન દાખવ્યું છે તેનાથી ભારતીય મૂળના અમેરીકનો નારાજ છે. જેમ કે જમ્મુ અને કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો બક્ષતા અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી અને કાશ્મીરને સંપૂર્ણપણે ભારત સાથે જોડી દેવાના પગલાની ભારે આલોચના થઇ છે.
અલબત ડોનાલ્ડ ટ્રમ્પના ઇસ્લામોફોબિયાના કારણે મેાદી સરકાર પ્રત્યે તેમનો ઝૂકાવ ખાસ કરીને રાજકીય અને ચૂંટણીકીય સંદર્ભમાં વધુ હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. હવે બાયડેન પ્રશાસન અત્યાર સુધી જેની ઉપેક્ષા થઇ છે એ માનવ અધિકારના મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે.તેમાં ભારતીય મૂળના અમેરીકન સુમાનોગુહા, શાંતિ કલાથીલ, ઉઝરા જેયા વગેરેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે અને આમ માનવ અધિકારના મામલે બાયડન પ્રશાસનની કાર્યવાહી મોદી સરકારને લઘુમતી અધિકારો પર બિનઉદારવાદી વલણમાંથી પીછેહઠ કરવા માટે દબાણ કરશે. ખાસ કરીને ગૌહત્યા, લવજેહાદ જેવા સરકારના માનિતા હિંદુત્વને લગતા વિષયો પર વોશિંગ્ટનની બાજ નજર રહેશે. ગુહા-જેયા અને કલાથીલની ત્રિપુટી માનવ અધિકાર અને કાશ્મીરના મામલે મોદી સરકારને ભારે પડશે.