(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૩
આણંદના બાકરોલ ગામે કોલોની વિસ્તારમાં રહેતાં યુવકે પ્રેમિકા સાથે રીસામણાં થતાં તેણે પ્રેમીકાનાં ઘર નજીક લીમડાના ઝાડ સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી વીગતો અનુસાર બાકરોલ ગામે કોલોની વીસ્તારમાં રહેતાં અને રીક્ષા ડ્રાઈવીંગ કરતાં બીસ્મીલ્લાખાન ઉર્ફે સોહીલ હબીબખાન પઠાણ (ઉ.વ ર૦)ને કોલોની વીસ્તારમાં જ રહતી એક યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો અને સોહીલ યુવતીના ગળાડુબ પ્રેમમાં હતો ગઈકાલે દીવસ દરમીયાન સોહીલની પ્રેમીકા રીસાઈ જતાં પ્રેમીકાને મનાવવા માટે સોહીલે દીવસ દરમીયાન દસ થી પંદર ફોન કર્યા હતાં પરંતુ તેની પ્રેમીકાએ ફોન રીસીવ કર્યો ન હતો. દરમીયાન સોહીલે લીમડા સાથે બાંધેલી સાડી સાથે ગળેફાંસો ખાઈ લટકી જતાં તેની પ્રેમીકા એક દમ નજીકના મકાનમાં દોડી ગઈ હતી અને તેણે ચપ્પુ લાવી સાડી કાપી સોહીલને નીચે ઉતાર્યો હતો. દરમીયાન આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને સોહીલને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો હતો. જયાં હોસ્પીટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ વલ્લભવીદ્યાનગર પોલીસ મથકના પીએસઆઈ ડી. બી. ભુરા અને સોહીલના પિતા હબીબખાન પઠાણે યુવતીથી સોહીલનું મોત થયું હોવાની વાત છુુપાવી હતી અને સોહીલને આઈસીયુમાં રાખ્યો છે અને કોઈને પણ મળવા દેતા નથી જેથી તેણીને ઘરે જવા જણાવ્યું હતું. પોલીસે પણ તેને ઘરે મુકી આવવા ખુબજ સમજાવી હતી. પરંતુ તે ટસથી મસ થઈ ન હતી અને સોહીલને લઈને જ એક ઘરે પરત જશે તેવી જીદ પર અડગ રહી હતી. ત્યારબાદ આજે સવારે ૭ઃ૩૦ કલાકે પોલીસે યુવતીની માતાને હોસ્પીટલમાં બોલાવી હતી અને ત્યાં યુવતીને ખુબજ સમજાવ્યાં બાદ તેણીની માતા સાથે ઘરે પરત મોકલી હતી અને ત્યારબાદ પોલીસે સોહીલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડીકલ હોસ્પીટલમાં લઈ ગઈ હતી જયાં પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતદેહ તેના પરીવારજનોને સુપ્રત કર્યો હતો. આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.