અમદાવાદ, તા.ર૬
ગુજરાતમાં દારૂબંધી છે છતાં છડેચોક દારૂ મળે છે એ વાત છૂપી નથી અને એટલે જ સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે. વળી આ મામલે સરકારને પણ ઘણી વખત શરમમાં મૂકાવાનું થયું છે. ત્યારે આ મામલે થોડાક મહિનાઓ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ દારૂબંધી મામલે રૂપાણી સરકાર સામે આકરો પ્રહાર કર્યો હતો. તો હવે આ જ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા શંકરસિંહ વાઘેલાએ કેમ્પેઈન શરૂ કર્યું છે જેમાં શું તમે પણ દારબંધીની નીતિનો વિરોધ કરો છો ? તો #Against Liquor Ban Challenge હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવો. એવી વાત થકી રાજ્યમાં દારૂબંધી દૂર કરવા પ્રજાનો સાથ મેળવવાની શરૂઆત કરી છે. આ મામલે ર૬ સપ્ટેમ્બરના રોજ ટિ્‌વટ કરી છે. ત્યારબાદ તેમણે સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી એક નાટક છે. વૈજ્ઞાનિક રીતે દારૂબંધીનો અમલ થવો જોઈએ. દારૂબંધી નીતિથી ભ્રષ્ટાચાર વધે છે. દારૂબંધી નીતિના કારણે ગુજરાતમાં ટૂરિઝમ નબળું પડી ગયું છે. ગુજરાતના લોકોને પ્રવાસન માટે દીવ, દમણ, મુંબઈ, આબુ, શામળાજી-ઉદેપુર ન જવું પડે, તેમજ ગુજરાતમાં એક કિ.મી.નો એરિયો એવો નહીં હોય કે જ્યાં દારૂ ન વેચાતો હોય. તેમણે દારૂબંધી અંગે વાત કરતા કહ્યું કે, દારૂબંધી માટે સાયન્ટિફિક પોલિસી અમલમાં લાવવી જોઈએ અને આ માટે હું પંચામૃત નામની વસ્તુ ગુજરાતની જનતાને આપવા માંગું છું કે જેમાં દારૂબંધી હટાવો અને સાયન્ટિફિક એપ્રોચવાળી દારૂબંધી નીતિ દુનિયાભરમાં છે તેવી નીતિ તૈયાર કરવામાં આવે અને તેના કારણે ગુજરાતની અંદર આવકમાં વધારો થશે. તેમણે આગળ કહ્યું કે તમે દારૂબંધીની નીતિમાંથી છૂટવા માંગતા હોય તો મારી પાસે આવો. રાજ્યમાં દારૂબંધીના કારણે ટૂરિઝમ ઉદ્યોગને વેગ મળી રહ્યો નથી અને ગુજરાતના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢે છે. ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ ર૩ સપ્ટેમ્બરના રોજ બીજું ટિ્‌વટ કર્યું હતું. ત્યારે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે હું દારૂ પીવાનું સમર્થન નથી કરતો. હું ઈચ્છું છું કે કોઈ યુવાન દારૂ ન પીવે. તેમણે આગળ ઉમેરતા કહ્યું કે હું પણ પહેલા દારૂ પીતો હતો, મેં ખૂબ દારૂ પીધો છે. પરંતુ હું અત્યારે દારૂ તો ઠીક બીયરને પણ હાથ લગાવતો નથી.