અમદાવાદ,તા.ર૪
બાપુનગર આઝાદ ચોક ડી.૧૯ના દવાખાના કમ્પાઉન્ડની અંદરના મેદાનમાં જૂના ઝઘડાની અદાવતમાં ખૂન કરી નાસી છુટેલા આરોપીને એસઓજી ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. આ આરોપી અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણેક ગુનામાં પણ પકડાઈ ચૂકયો છે.
અમદાવાદ શહેરમાં બનેલ ગુના શોધી કાઢવા તથા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવાની સુચનાના આધારે પો.સ.ઈ. એમ.કે. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન નારોલ સર્કલ પાસે આવતા હે.કો.નિશાર અહેમદ ઉસ્માનમિયાં તથા પો.કો. વીજેન્દ્ર ભંવરલાલને મળેલ બાતમીના આધારે ગોઠવતા ગઈકાલે બાપુનગરમાં બનેલ ખૂનના બનાવનો આરોપી રોનક અરવિંદભાઈ રાવળ (ઉ.વ.રર, રહે. સોનેરિયા બ્લોક બાપુનગર) મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો છે. જેની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગત તા.ર૩-પ-૧૮ના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે બાપુનગર આઝાદ ચોક ડી/૧૯ના દવાખાનાના કામ્પાઉન્ડની અંદર મેદાનમાં જાહેરમાં સાગર ઓમપ્રકાશ વર્માની અગાઉની ઝઘડાની અદાવત રાખી પોતે તથા પોતાના મિત્રો રણજીત તથા વિજય તથા દિપક સાથે મળી ખૂન કર્યું હોવાની હકીકત જણાવી હતી. જેથી આ બાબતે બાપુનગર પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦ર, પ૦૬ (ર) ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩પ (૧) મુજબનો ગુનો દાખલ થયેલ હોય આરોપીને આજરોજ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બાપુનગર પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.