અંકલેશ્વર, તા.૧૫
અંકલેશ્વર બાપુનગર પાસે લોકોની સલામતી માટે રેલવે વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામગીરીમાં બાપુનગરમાં અડચણ રૂપ ૧૪ જેટલા મકાનોને સ્થાનિક લોકોના સહકારથી દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ નીચે આવેલ બાપુનગરમાં લોકો વર્ષોથી રહે છે. જો કે, બાપુનગર નજીકથી પસાર થતા રેલવે ટ્રેકને લોકો ઓળંગતા હતા અને અવાર નવાર જીવલેણ અકસ્માતોની ઘટના સર્જાતી હતી. ત્યારે રેલવે વિભાગ દ્વારા આ રેલવે ટ્રેકને લોકોની સલામતી માટે પ્રોટેક્શન વોલનું સુરક્ષા કવચ આપવાની કામગીરી હાથ ધરી છે. રેલવે વિભાગ દ્વારા રેલવેની હદમાં આવતા બાપુનગરના ૧૪ જેટલા મકાનોના રહીશોને દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યા નહોતા, આજરોજ રેલવે તંત્ર, રેલવે પોલીસ ફોર્સ તેમજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા જીસીબી મશીન વડે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દબાણ કરીને રહેતા રહીશોને તેમનો સામાન હટાવવાનો પણ સમય આપ્યો હતો. તેમજ સ્થાનિક લોકોએ પણ રેલવેની આ કામગીરીમાં સહકાર આપ્યો હતો. આ અંગે રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર રાજીવસીંગે જણાવ્યું હતું કે, આ રેલવે ક્રોસિંગ પર અકસ્માતો સર્જાતા રહે છે. તેથી લોકોની સલામતી માટે પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરવામાં આવી છે.