(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જયંતિના અવસરે અમદાવાદના સાબરમતી આશ્રમ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ સર્વધર્મ પ્રાર્થના, પુષ્પાંજલિ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ દરમ્યાન સાબરમતી આશ્રમ ટ્રસ્ટે સરકારી પ્રાથમિક શાળાઓના ૩૦ હજાર વિદ્યાર્થીઓને બાપુને ઉદ્દેશીને પત્ર લખવા જણાવ્યું હતું જેમાં એક બાળકે લખેલા પત્રએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાળકે લખ્યું હતું ‘બાપુ પ્લીઝ પાછા ફરો ભારતને તમારી જરૂર છે’ સાબરમતી આશ્રમના નિર્દેશક અતુલ પંડયાના જણાવ્યા અનુસાર બાળકોને રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનથી પરિચિત કરાવવા માટે અને બાળકો બાપુના આદર્શોથી પ્રેરણા લે તે માટે તેમને પોસ્ટકાર્ડ આપવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ ગાંધીજીને જે કાંઈ કહેવા માંગતા હોય તે પોસ્ટકાર્ડમાં લખીને મોકલે. અત્યાર સુધી અમને ૧પ હજારથી વધુ પોસ્ટકાર્ડ મળ્યા છે અને રોજ ૧૦૦થી વધુ પોસ્ટકાર્ડ મળી રહ્યા છે. આ પત્રો ગાંધીઆશ્રમમાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. શાળાના બાળકોએ ગાંધીજીને લખેલા પત્રના અંશો જોઈએ તો એક બાળકે લખ્યું છે કે ‘આખા દેશને આઝાદી અપાવી અને સાથે સાથે દેશના લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા, તે બદલ આપનો દિલથી આભાર માનું છું જો કે તમામ પત્રોમાં વિજાપુરના એક બાળકે લખેલો પત્ર ખૂબ મજેદાર છે. આ બાળકે પત્રમાં લખ્યું છે કે ‘મારા વ્હાલા બાપુ, દેશમાં અત્યારે ચોરી, દારૂ, પાન-મસાલા, આ બધી વસ્તુઓથી દેશ વિકાસ પામતો નથી. બાપુ આ દેશને વિકસીત કરો આ વસ્તુ બંધ કરાવો. જ્યારે અન્ય એક પોસ્ટકાર્ડમાં લખ્યું હતું કે, ‘બાપુ પ્લીઝ પાછા ફરો, ભારતને તમારી જરૂર છે’ આ વાકયએ દેશની હાલની સ્થિતિએ બાળકના મન પર કેટલી ગંભીર અસર કરી છે તેનું ઉદાહરણ છે.