(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
કોંગ્રેસમાંથી અલગ થયા બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આડકતરી રીતે સપોર્ટ કરનાર અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલાને લઈને ફરી એકવાર અટકળોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. બાપુ ભાજપમાં સત્તાવાર રીતે એન્ટ્રી લઈ રાજ્યપાલ બનશે તે અંગેની છેલ્લા કેટલાક દિવસોથી અટકળો શરૂ થઈ છે ત્યારે બાપુને જાણનાર ખાસ વર્તુળોનો દાવો છે કે બાપુ રાજ્યપાલ બની સક્રિય રાજકારણથી અલિપ્ત નહી થાય. પરંતુ તેઓ રાજ્યસભામાં જઈ કેન્દ્રીયમંત્રી બને તેવી શક્યતા વધુ જોવાય છે. જો કે આ અંગે ભાજપના અગ્રણીઓ પણ કોઈ સ્પષ્ટતા કરી શકે તેમ નથી. ખાસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે રાજકીય સોદો કર્યો હતો અને તેના ભાગરૂપે જ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓએ ભાજપને જ ફાયદો થાય તેમ કામ કર્યું હતું. હવે તેઓ ભાજપ પ્રવેશ સાથે રાજ્યપાલ બને તે ભાજપ તરફથી નક્કી જ છે પરંતુ હવે બાપુને રાજ્યપાલ પદ નહીં પણ બીજો કોઈક હોદ્દો જોઈએ છે તેવી વાત બહાર આવી છે.
બાપુના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાપુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તે પહેલા નરેન્દ્ર મોદી અને બાપુ વચ્ચે થયેલી વાતચીત અને બાપુને આપવામાં આવેલા વચનમાં રાજ્યપાલ બનાવવાની વાત જ નહોતી. બાપુની અપેક્ષા જુદી હતી અને તે માટે નરેન્દ્ર મોદી તૈયાર હતા પણ હવે બાપુને રાજ્યપાલ પદ આપવાનો પ્રસ્તાવ આવ્યો છે જેના કારણે બાપુ બે ડગલા ખસી ગયા છે. બાપુ પોતાના નજીકના સાથીઓને પણ રાજ્યપાલ પદ નહીં તો શું જોઈએ છે તેનો ફોડ પાડતા નથી. પરંતુ એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આગામી મહિનાઓમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બાપુ રાજ્યસભામાં જઈ કેન્દ્રિય મંત્રીમંડળનો હિસ્સો બનવા માગે છે. જો કે બાપુને સંસદમાં લઈ જવા માટે નરેન્દ્ર મોદી અને ભાજપની નેતાગીરી તૈયાર છે કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે નેરન્દ્ર મોદી બાપુને રાજ્યપાલ બનાવી મહારાષ્ટ્રમાં મૂકવા માંગે છે. કારણ કે મહારાષ્ટ્રમાં શીવસેના ગમે ત્યારે ટેકો પાછો ખેંચી લે તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને રાજકીય સંકટ ઊભું થવાની સંભાવના છે તેવા સંજોગોમાં બાપુ તોડફોડમાં માહિર છે, તેવા સંજોગોમાં બાપુ રાજ્યપાલ તરીકે ભાજપને ખાસ્સી મદદ કરી શકે તેમ છે. જો કે હવે આ મુદ્દે બાપુ અને મોદી સીધા જ વાત કરતા હોવાને કારણે ભાજપના ગુજરાત એકમના અગ્રણીઓ આ મુદ્દે કોઈ ફોડ પાડી શકે તેમ નથી. કાંતો ખુદ મોદી અથવા બાપુ જ આ મુદ્દે સ્પષ્ટતા કરી શકે તેમ છે. ત્યારે હાલમાં આ બંને કંઈ કહે તેમ જણાતું નથી.
બાપુ રાજ્યપાલ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી બનવા ઈચ્છતા હોવાની વાતો થઈ વાયરલ !

Recent Comments