અમરેલી, તા.૨
બાબરા તાલુકાના કલોણા ગામનો યુવાન ૧૭ દિવસ પહેલા ગુમ થયા બાદ આજે તેની ગોખલાના ગામની સીમના કુવામાંથી લાશ મળી આવી હતી મૃતક યુવાનને ગામની એક યુવતી સાથે આડા સંબંધ હોઈ જેના કારણે તેની હત્યા થઇ હોવાનું પોલીસમાં ખુલવા પામ્યું છે. હત્યામાં પોલીસ સમક્ષ શકદાર તરીકે એક ઈસમનું નામ પણ ખુલવા પામ્યું છે હત્યાને લઇ બનાવ સ્થળે બાબરા પોલીસ તેમજ એલસીબી પહોંચી ગઈ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર બાબરા તાલુકાના કલોણા ગામે રહેતો અને મજૂરી કામ કરતો રમેશ છગનભાઇ સાકરિયા (ઉ.વ.૨૨) ગત તા.૧૬/૩ ના રોજ ગુમ થતા તેની બાબરા પોલીસમાં જાહેરાત કરાઈ હતી. જે અંગે બાબરા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આજે ગોખલાના ગામની સીમમાં એક પુરૂષની લાશ કૂવામાં હોવાની બાતમી મળતા બાબરા પીએસઆઇ જી.ડી. આહીર તેમજ સ્ટાફ ઘટના સ્થેળ પહોંચી ગયેલ હતો અને પુરૂષની લાશ કૂવામાંથી બહાર કાઢી હતી અને તપાસમાં આ લાશ કલોણા ગામના રમેશની હોવાની સામે આવ્યું હતું. મળી આવેલ રમેશની લાશનું નિરીક્ષણ કરતા તેને માથાના ભાગે કોઈએ બોથડ પદાર્થ વડે હુમલો કરી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. દરમ્યાન પોલીસે બનાવની તપાસ અને પૂછપરછ હાથ ધરતા યુવાનની હત્યા કલોણા ગામના જ શકદાર ઈસમ તરીકે નામ સામે આવેલ હતું તે અશ્વિન વાહાણી હતું જેને પોતાની પત્ની સાથે રમેશને આડા સંબંધ હોવાની જાણ થતા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.