અમરેલી, તા.ર૪
બાબરા વિસ્તારના નીલવડા રોડ ઉપર આવેલા એક ખેતરમાં લાખોની કિમતના ગાંજાના વાવેતર વાળા ખેતર ઉપર જિલ્લા એસઓજી પોલીસ ટીમે છાપો મારી સર્ચ કામગીરી શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે.
નીલવડા રોડ સ્થિત વાવેતર કરેલા ખેતરમાંથી પોલીસ ટીમને મોટી માત્રામાં લીલા ગાંજાના છોડનું વાવેતર હોવાની જાણકારી મળતા આજ સવારથી જુદા-જુદા પોલીસ વિભાગ સહિતની ટીમો ગાંજાના છોડ સહિતની માહિતી મેળવવા કમરકસી રહ્યા છે. પ્રાથમિક વિગત મુજબ નીલવડાની ધાર વિસ્તારમાં આવેલી જમીનમાં અંદાજીત ૧૦૦૦ જેટલા ગાંજાના વૃક્ષો અને ૬થી ૭ ફૂટ ઊંચાઈ ધરાવી રહ્યા હોવાનું માલૂમ પડી રહ્યું છે. સાથો સાથ જમીન નજીક આવેલા ધાર્મિક જગ્યા સહિતમાં પોલીસે તપાસ આગળ વધારી છે.
પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ જણાતા ૩ ઈસમોની અટકાયત કરવામાં આવી છે અને મોડી સાંજે ગાંજાના વાવેતર કરેલું ખેતર પ્રથમ કોર્ડન કરી અને લીલા વૃક્ષોની ગણતરી સહિત તેને જપ્ત કરવા કામગીરી હાથ ધરી છે અને આ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યા બાદ સત્તાવાર માહિતી સહિત એનડીપીએસ એક્ટ મુજબ ધોરણસર ગુનો રજિસ્ટર થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.