(એજન્સી) તા.૧૦
અયોધ્યા ખાતે બાબરી મસ્જિદના બદલે બીજી નવી મસ્જિદના નિર્માણ માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન ઉપર એક વિશાળ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, કોમ્યુનિટી કિચન, ઈન્ડો-ઈસ્લામિક રિસર્ચ સેન્ટર, એક મ્યુઝિયમ અને એક લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઉત્તરપ્રદેશ સરકારે ઉત્તરપ્રદેશ સેન્ટ્રલ વકફ બોર્ડને અયોધ્યા નજીક આવેલા ધાનીપુર ગામે પાંચ એકર જમીન ફાળવી હતી.
ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા ઊભા કરાયેલા ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટે આ જમીન ઉપર બંધાનારી ભવ્ય મસ્જિદની સાથે-સાથે એક ૨૦૦ પથારીની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ધરાવતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધવાની યોજના પણ બનાવી છે. ટ્રસ્ટના પ્રવક્તા અતહર હુસૈનના કહેવા મુજબ હોસ્પિટલના બાંધકામ માટે સૌથી વધુ જમીન ફાળવવામાં આવશે અને આગામી બે મહિનામાં જ બાંધકામ શરૂ થઈ જશે. હિંદુસ્તાન ટાઈમ્સ અખબારે અતહર હુસૈનને એમ કહેતાં ટાંક્યા હતા કે અમે એવી એક ભવ્ય મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માંગીએ છીએ જેમાં વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ અને ટેકનોલોજી ઉપલબ્ધ હશે. આ હોસ્પિટલને બે તબક્કામાં બનાવવામાં આવશે. પહેલાં તબક્કામાં ૧૦૦ પથારીની સુવિધા ઊભી કરવામાં આવશે અને બીજા તબક્કામાં બાકીની ૧૦૦ પથારીઓની સુવિધા ઊભી કરાશે.
આ હોસ્પિટલમાં કેન્સર, શરીરના અંગોના પ્રત્યાર્પણ, કરોડરજ્જુને લગતી બીમારીઓ, રોબોટની મદદથી હાડકાંઓની બીમારીઓની સારવાર અન્ય ઈમરજન્સી બાબતે શ્રેષ્ઠતમ સેવાઓ પૂરી પાડવામાં આવશે, એમ ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું. આ હોસ્પિટલ સમાજ સેવાનું ઉમદાકાર્ય કરવા ઉપરાંત સમાજના વિભિન્ન સમુદાયોમાં પડી ગયેલા મતભેદ દૂર કરી તેઓને જોડવાનું કામ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.
લખનૌ સ્થિત આર્કેટેક કમ ટાઉન પ્લાનર અને દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના સ્થાપક અને ડીન ફેકલ્ટી આ મસ્જિદની ડિઝાઈન તૈયાર કરશે, ત્યારબાદ બાબરી મસ્દિજના સ્થાને એક નવી અને ભવ્ય મસ્જિદ આકાર લેશે. ઉલ્લેખનીય છે કે, ગત ૯ નવેમ્બર-૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને મુસ્લિમ પક્ષકારને નવી મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવા આદેશ કર્યો હતો.