(એજન્સી) લખનૌ, તા.૧૬
લખનૌની સીબીઆઈની કોર્ટના વિશેષ ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવે બાબરી મસ્જિદ શહીદી કેસમાં ચૂકાદા માટે ૩૦ સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. સમાચાર મુજબ, સીબીઆઈએ આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ૪૯ લોકોને આરોપી બનાવ્યા હતા. આમાંથી ૧૭ આરોપીઓ મૃત્યુ પામ્યા છે.
હવે ૩૨ આરોપીઓની સજા અંગેનો નિર્ણય ૩૦ સપ્ટેમ્બરે થશે. આરોપીઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણસિંહ, વિનય કટિયાર જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સામેલ છે. એમની ઉપર મસ્જિદ તોડવા માટે ષડ્યંત્ર ઘડવાના આક્ષેપો છે.
બાલાસાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરિ દાલમિયા પણ આ કેસમાં આરોપી હતા, જેમના અવસાન થઇ ગયા છે. અન્ય આરોપીઓમાં રામવિલાસ વેદાંતી, સાધ્વી ઋતંભરા, સાક્ષી મહારાજ, ચંપાતરાય, મહંત નૃત્ય ગોપાલદાસ છે.
રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા કારસેવકો દ્વારા ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને શહીદ કરવામાં આવી હતી. આ આંદોલનનું નેતૃત્વ કરનારાઓમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ હતા. આ બંનેને બાબરી ડિમોલિશન કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ તેમના નિવેદનો નોંધાવ્યા હતા.
હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે અયોધ્યામાં બાબરી મસ્જિદ મોગલ શાસક બાબરે ૧૫૨૮માં શ્રી રામજન્મભૂમિ પર બનાવેલા રામલાલા મંદિરને તોડીને બનાવાઈ હતી.. જ્યારે મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ એક મંદિરને તોડીને બનાવવામાં આવી નથી.
વર્ષ ૧૮૮૫માં, પ્રથમ વખત આ કેસ કોર્ટમાં પહોંચ્યો. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ૯૦ના દાયકામાં રામ રથયાત્રા કાઢી હતી અને એ પછી રામ મંદિર આંદોલનને વેગ મળ્યો હતો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ, કારસેવકોએ બાબરી મસ્જિદનું માળખું તોડ્યું હતું. ત્યારબાદથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
બાબરી મસ્જિદ અંગેનો ચુકાદો ૩૦મી સપ્ટેમ્બરે આવશે, અડવાણી-જોશી સહિતના તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ

Recent Comments