(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
બાબરી મસ્જિદ ધ્વંસમાં ષડ્યંત્ર, પૂર્વ ભૂમિકા અને અન્ય બાબતોની તપાસ માટે નિમાયેલ લિબરહાન પંચે પોતાના તારણમાં કહ્યું હતું કે, ભાજપના વરિષ્ઠ નેતાઓ એલ.કે.અડવાણી, એમ.એમ. જોશી, ઉમા ભારતી અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ બાબરી મસ્જિદ તોડવા માટે જવાબદાર હતા.
પંચે ૬૮ આરોપીઓને ષડ્યંત્ર ઘડવા માટે અને લોકોને ઉશ્કેરવા માટે જવાબદાર ઠરાવ્યા હતા, જેના લીધે મસ્જિદ તોડી પડાઈ હતી. હાઈકોર્ટના નિવૃત્ત જજ એમ.એસ. લિબરહાને પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, આરએસએસની મુખ્ય ભૂમિકા જમીન ઉપર હતી, જ્યારે કલ્યાણસિંહ મસ્જિદ તોડવા માટે જવાબદાર હતા.
પંચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણીને બનાવટી ઉદારવાદી જણાવાયું હતું. પંચે રિપોર્ટ ૨૦૦૯માં રજૂ કર્યો હતો. એમનું તારણ હતું કે, તેઓએ(ભાજપ નેતાઓએ) લોકોના વિશ્વાસનું ભંગ કર્યો હતો. લોકશાહીમાં આનાથી વધુ છેતરપિંડી નહીં હોઈ શકે અને પંચને કહેવામાં કોઈ ખચકાટ નથી કે, આ બનાવટી ઉદારવાદીઓ આ ગુના માટે જવાબદાર છે .
નરસિમ્હા રાવ દ્વારા રચાયેલ પંચને ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરવાની હતી પણ એમને ૪૮ વખત લંબાવવામાં આવ્યો હતો. પંચના મુખ્ય નિર્ણયો નીચે મુજબના હતા, જે સીબીઆઈ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાથી કેટલા જુદા છે, એ જોઈ શકાય છે.
• મસ્જિદ તોડવામાં આવી તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ હતા, તેઓ શાંત બેસી રહ્યા હતા.
• મુખ્યમંત્રી અને એમની કેબિનેટના સભ્યોએ સમગ્ર સિસ્ટમને ધ્વંસ કરી હતી.
• કલ્યાણસિંહની સરકારે આરએસએસને એમની સરકાર ચલાવવા માટે છૂટ આપી હતી અને તેમણે અધિકારીઓની બદલીઓ કરી ફક્ત પોતાના માનીતા અધિકારીઓની જ નિમણૂકો કરી હતી.
• મસ્જિદ તોડવાની ઘટના પૂર્વાયોજિત હતી, પણ આ ષડ્યંત્ર સાથે સંબંધ ધરાવતા કોઈ પુરાવા પંચને આપવામાં આવ્યા ન હતા.
• કલ્યાણસિંહે પોલીસને સૂચના આપી ન હતી કે, તેઓ બળ વાપરે અને મસ્જિદને તોડતી અટકાવે.
• ઉમા ભારતી, ગોવિંદાચાર્ય, કલ્યાણસિંહ અને શંકરસિંહ વાઘેલા મસ્જિદને તોડતા અટકાવી શક્યા હોત.
• અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, આરએસએસ અને વીએચપીના બૌદ્ધિકો હતા જેમની વિચારધારા જ મસ્જિદ તોડવાની હતી.
• ગુપ્તચર રિપોર્ટનો હવાલો આપી પંચે કહ્યું કે, અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવાની યોજના ૧૦ મહિના આગાઉ આરએસએસના હિંદુ કટ્ટરપંથીઓ, ભાજપ નેતાઓ અને વીએચપીના નેતાઓ દ્વારા ઘડવામાં આવી હતી.