૨૮ વર્ષ પહેલા ૧૯૯૨માં ૬ ડિસેમ્બરના રોજ હિંદુવાદી કારસેવકોએ ૧૬મી સદીની ભવ્ય બાબરી મસ્જિદને શહીદ કરી દીધી હતી, કેસમાં ૪૮ આરોપીઓમાંથી ૧૬નાં સુનાવણી દરમિયાન જ મોત થયા હતા
બાબરી મસ્જિદ શહીદ કરવા માટે કારસેવકોને ઉશ્કેરવાનો આરોપ, તમામ આરોપીઓને સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં હાજર રહેવા
તાકીદ કરાઇ, અડવાણી અને જોશીને જાતે હાજર રહેવામાંથી મુક્તિ અપાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યા ખાતે આવેલી બાબરી મસ્જિદ શહીદ કરવાના કેસમાં ૨૮ વર્ષ બાદ લખનઉ સ્થિત સીબીઆઇની કોર્ટ બુધવારે તેનો અંતિમ ચુકાદો જાહેર કરશે.આ કેસમાં આરોપીઓ તરીકે ભાજપના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીને દર્શાવવામાં આવ્યા છે. ૧૯૯૨માં હજારોની સંખ્યામાં હિંદુ કારસેવકોએ બાબરી મસ્જિદને શહિદ કરી દીધી હતી તેમાં અડવાણી અને મુરલી મનોહર જોશીની શું ભૂમિકા હતી તે અંગે સીબીઆઇ કોર્ટ બુધવારે નિર્ણય જાહેર કરશે. આ ઉપરાંત આ કેસમાં તે વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહ, બજરંગ દળના નેતા વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સહિત કુલ ૩૨ આરોપીઓ છે.
(૧) આ કેસમાં સીબીઆઇના જજ એસ.કે. યાદવ તેમનો ચુકાદો સંભળાવશે. કોર્ટે ગત ૧૬ સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને ૩૦ સપ્ટેમ્બરના રોજ જ્યારે ચુકાદો જાહેર કરવામાં આવે ત્યારે કોર્ટમાં હાજર રહેવા લેખિત જાણ કરી દીધી હતી. સુપ્રિમ કોર્ટે પોતે જ ૩૦ સપ્ટેમ્બરની છેલ્લી તારીખ નક્કી કરી હતી.
(૨) આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે દેશના મોટા રાજકારણીઓને દર્શાવવામાં આવ્યા છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રીઓ મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ અને બજરંગદળના નેતા વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરાનો સમાવેશ થાય છે.
(૩) આ કેસમાં છેલ્લી દલીલ ગત ૧ સપ્ટેમ્બરના રોજ કરાઇ હતી, ત્યારબાદ જજ યાદવે પોતાનો ચુકાદો લખવાની શરૂઆત કરી હતી. કોરોના મહામારીના કારણે કોર્ટમાં રૂબરૂમાં હાજર રહી ન શકનારા કેટલાંક રોપીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાની જુબાની આપી હતી.
(૪) આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઇએ પોતાની તપાસ દરમ્યાન ૩૫૧ સાક્ષીઓની જુબાની નોંધી હતી અને કેસના પૂરાવા તરીકે ૬૦૦ જેટલા દસ્તાવેજ રજૂ કર્યા હતા.
(૫) આરંભમાં ૪૮ લોકોની સામે આરોપો ઘડી નાંખવામાં આવ્યા હતા પરંતુ આ કેસ લગભગ ત્રણ દાયકા સુધી ચાલ્યો હોઇ ૧૬ આરોપીઓના મૃત્યુ થયાં હતા.
(૬) આરોપીઓ વિરુદ્ધ સીબીઆઇની મુખ્ય દલીલ એ હતી કે તેઓએ આખું કાવતરુ રચ્યું હતું અને તે સમયે ઉપસ્થિત કારસેવકોને ૧૬મી સદીની તે ભવ્ય બાબરી મસ્જિદને જમીનદોસ્ત કરી નાંખવા ઉશ્કેરણી કરી હતી.
(૭) બીજીબાજુ આરોપીઓએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે તેઓ દોષિત છે તેમ પૂરવાર કરવાના કોઇ પૂરાવા ઉપલબ્ધ નથી. તે સાથે તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલિન કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે રાજકીય રીતે વેર વાળવા ખોટી રીતે તેઓને આ કેસમાં ફસાવી દેવાયા હતા.
(૮) ગત ૨૪ જુલાઇના રોજ ભાજપના પીઢ નેતા અડવાણીએ વીડિયો કોન્પરન્સના માધ્યમથઈ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેમણે બાબરી મસ્જિદને શહીદ કરવાના કાવતારામાં પોતાની કોઇપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. વધુમાં તેમણે દલીલ કરી હતી કે તેઓને બિનજરૂરી રીતે આ કેસમાં ઢસડવામાં આવ્યા હતા, કેમ કે આખી તપાસ જ રાજકીય ઇરાદાઓથી પ્રેરિત થયેલી હતી અને નકલી પૂરાવાના આધારે ચાર્જશીટ ઘડી નાંખવામાં આવી હતી.
(૯) ગત ૬ ડિસેમ્બર,૧૯૯૨ના રોજ કારસેવકોના ઝનૂની ટોળાએ બાબરી મસ્જિદને શહીદ કરી નાંખી હતી, કેમ કે તેઓને દાવો હતો કે જે સ્થળે ભગવાન રામનો જન્મ થયો હતો તે સ્થળે મુઘલ બાદશાહ બાબરે તે મસ્જિદ ઉભી કરી હતી.
(૧૦) ગત વર્ષે સુપ્રીમ કોર્ટે અયોધ્યા ખાતે આવેલી વિવાદાસ્પદ જમીન રામ મંદિરના નિર્માણ માટે ફાળવી આપી હતી. જો કે તે સાથે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે બાબરી મસ્જિદને શહીદ કરવાનું કૃત્ય ગેરકાયદે હતું. તે સાથે કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યા પાસે નવી એક મસ્જિદનું નિર્માણ કરવા પાંચ એકર જમીન ફાળવી આપવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યો હતો.