(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.રપ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પગિયાના મુવાડા ગામે ગામના જ યુવક સાથે ગુમ થયા પછી બીજા દિવસે સવારે ઘર નજીક કૂવામાંથી યુવતીની લાશ મળી આવતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ગામના જ પ્રેમી યુવકને ઉઠાવી લાવી યુવતીના ઘર નજીક થાંભલા પાસે દોરડાથી બાંધી પરિવારજનો અને ટોળાએ ઘેરી લઈ યુવકને ઢોર માર મારવાનું શરૂ કરતા યુવકના પરિવારજનોએ સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ટોળાએ પોલીસને પણ બાનમાં લેવાનો પ્રયત્ન કરતા બેકાબૂ બનતી સ્થિતિના પગલે જિલ્લા પોલીસવડાને જાણ કરતા ડીવાયએસપી ભરત બસિયા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ટોળાએ યુવકને ન છોડતા આખરે પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને ડીવાયએસપી બસિયા તેમની ગાડીમાં વાત્રક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકની સ્થિતિ ગંભીર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પેગિયાના મુવાડા ગામની ૨૦ વર્ષીય યુવતીને ગામના જ તળાવના મુવાડાના સાવન કરસનભાઈ સોલંકી સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના પરિવારજનોને પ્રેમ સંબંધની જાણ થતાં યુવતીની સગાઈ અન્ય સ્થળે કરી લગ્ન લેવા તજવીજ હાથ ધરી હતી, ત્યારે ગુરૂવારે રાત્રે યુવતી ઘરેથી ગૂમ થતાં પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો અત્તો-પત્તો ન લાગતા યુવતીના પરિવારજનો તેના પ્રેમીને ઘરેથી ઉઠાવી લઇ યુવતીના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો અને યુવકે રાત્રે યુવતી તેની સાથે હોવાનું અને મોડી રાત્રે ઘર નજીક છોડી દીધું હોવાનું જણાવતા પરિવારજનો અને ટોળાએ યુવતીની શોધખોળ કરતા ઘર નજીક અવાવરૂં કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો અને ટોળુ ઉશ્કેરાયું હતું. સમગ્ર ઘટનાના પગલે પોલીસે યુવકના પરિવારજનોની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.