મોડાસા, તા.પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાયડ ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રથમ તબક્કામાં ‘કિસાન સૂર્યોદય યોજના’ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામોમાં યોજનાનો લાભ મળે તે માટે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામ માટે ‘કિસાન સૂર્યોદય યોજના’નો પ્રારંભ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ૨૪ ઓકટોબર ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘કિસાન સૂર્યોદય યોજના’ કાર્યરત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આવનારા દિવસોમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પૂરવાર થયું છે. નવા વર્ષના આરંભે ખેડૂતો માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ની શુભ શરૂઆત થઈ છે, પાણી વીજળી ખેડૂતની તાકાત છે. આવનારા દિવસોમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ થકી ખેડૂત બમણી આવક મેળવશે અને વધુ સમૃદ્ધ બનશે ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે. છેલ્લા ત્રણ વર્ષનું મા પીજીવીસીએલ દ્વારા દર વર્ષે દોઢ લાખ કનેક્શન આપવામાં આવી રહ્યા છે.
અગાઉની કોંગ્રેસ સરકાર પર ચાબખા મારતા રૂપાણીએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારમાં લંગડી વીજળી મળતી હતી. ટ્રાન્સફોર્મર બળી જતાં હતા આજે લંગડી વીજળીના દિવસો ભૂતકાળ બની ગયા છે. અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારે કોઈ યોજનાઓ મૂકી નથી ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માગણી પૂરી કરતા ખેડૂતોને દિવસે વીજળી મળતાં હવે હેરાન થવું પડશે નહીં ખેડૂત પોતાની શક્તિ ઉર્જાથી વધુ ઉત્પાદન કરશે.
આ પ્રસંગે ઊર્જામંત્રી સૌરભ પટેલે પણ જણાવ્યું હતું કે, આ યોજના માટે ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઈનો તથા ૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્રઢ કરાશે. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણભાઈ પાટકર સાબરકાંઠા સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ હાજર રહ્યા હતા.
(તસવીર :- યુસુફ જમાદાર, મોડાસા)