(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧ર
ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા પાછલા ૪ વર્ષથી સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ યોજાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની બ્રાઈટ જુનિયર પરીક્ષા કેન્દ્ર પર ધો.૧ર સાયન્સની પરીક્ષામાં બાયોલોજી પેપરમાં વિદ્યાર્થીએ પરીક્ષા ખંડની અંદરથી મોબાઈલ વડે ફોટા પાડીને વોટ્સએપ દ્વારા અન્યને મોકલી દઈને પેપર લીક કરી વોટ્સએપ્પ પર જવાબો લખતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થતાં કેન્દ્ર સંવાહકની સતર્કતાથી પરીક્ષાર્થિની ડિજિટલ ચોરીનો પર્દાફાશ થયો હતો. કેન્દ્ર સંવાહકે પરીક્ષાર્થી સામે તેમજ વોટ્સએપ પર જવાબ લખાવનાર યુવક સામે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો બીજી ઘટના સામે આવી છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં બુધવારે બાયોલોજી વિષયનું પેપર હતું જેમાં મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ બ્રાઈટ જુનિયર સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપતો દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે.બોરોલ,તા.બાયડ) નામના પરીક્ષાર્થીએ તેને સંતાડી રાખેલા સ્માર્ટ ફોનથી પ્રશ્નપત્રનો ફોટો પાડી કેન્દ્રના બહાર બેઠેલ તેના મિત્ર હાર્દિક વિનોદભાઇ પંચાલને મોકલ્યું હતું અને તેના મિત્રએ જવાબ લખી વોટ્સએપ પર મેસેજ કર્યો હતો સમગ્ર ઘટના પરીક્ષાખંડમાં રહેલા સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થતાં સીસીટીવી કેમેરાનું જીવંત રેકોર્ડિંગ જોઈ રહેલા કેન્દ્ર સંવાહકના ધ્યાને આવતા તાબડતોડ પરીક્ષાખંડમાં પહોંચી સુપરવાઈઝરને જાણ કરી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્રમાં તલાસી લેતા તેની પાસેથી સ્માર્ટ ફોન મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી હતી.
આ અંગે કેન્દ્ર સંવાહક દ્વારા ફરિયાદ નોંધાતા મોડાસા ટાઉન સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગની કલમ ૧૮૮ અને ગુનેગારીમાં મદદગારીની કલમ ૧૨૦ (બ) હેઠળ દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે.બોરોલ, તા.બાયડ) અને હાર્દિકભાઇ વિનોદભાઇ પંચાલ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
બાયોલોજીનું પેપર વોટ્સએપથી મિત્રને મોકલી જવાબ લખતો પરીક્ષાર્થી ઝડપાયો

Recent Comments